સારો અભિનેતા સંવેદનશીલ હોય છે અને તેથી જ તે સારા નેતા બની શકે છે. કારણ કે પ્રજાની સમસ્યાને જાણવા, સમજવા અને અનુભવવા માટે એક સુંદર અને કોમળ હ્રદયની જરૂર પડે છે. એક સારો કલાકાર મોટાભાગે લાગણીશીલ હોવાનો જ. આથી એક અભિનેતા જ્યારે નેતા બને છે ત્યારે તે વધારે સુંદર રીતે સેવાકાર્ય કરી શકે છે. કારણ કે લાગણીશીલ હોવાના કારણે તે પ્રજાના પ્રશ્નો અને જરૂરિયાતને સમજી શકશે. લોકો માટે એક વિશેષ સોફ્ટ કોર્નર તેના મનમાં હશે અને આવો લાગણીશીલ માણસ જ સેવાકાર્ય વધુ સારી રીતે કરી શકે છે. જે લોકો માને છે કે રાજકારણ મેવાનું ક્ષેત્ર છે તેમને એ પણ સમજવું જોઈએ કે રાજકારણ મેવાનું નહીં પરંતુ સેવાનું પણ ક્ષેત્ર છે. એક રીતે તો માત્ર અને માત્ર લોકહિતના કાર્ય અને પરોપકારનું ક્ષેત્ર છે. હું અભિનેતામાંથી લોકસેવા માટે અને મારા બાપા-પિતાનો વારસો સાચવવા માટે નેતા બન્યો છું. આ ધરતીએ, આ લોકોએ મને જે સ્નેહ અને આશીર્વાદ આપ્યા છે તેનું ઋણ ચુકવવાના પ્રયત્ન હું નેતા બનીને કરી રહ્યો છું. જ્યારે લોકોને તેનું પોતાનું ઘર મળે કે મા અમૃતમ કાર્ડથી કોઈ બીમારીની સારવાર કરે ત્યારે મને લોકસેવા કર્યાનો સંતોષ થાય છે. આ સંતોષ મારા માટે સર્વોપરી છે અને રહેશે. આ લાગણીભીના શબ્દો ગુજરાતી અભિનેતા અને નેતા હિતુ કનોડિયાના છે.
‘ધ ફુટેજ’ સાથે હિતુ કનોડિયાએ અનેક વાતો શેર કરી હતી. તેની એક આછેરી ઝાંખી અહીં રજૂ કરવામાં આવી છે. જે તમને નેતા અને અભિનેતા હિતુ કનોડિયાને વધુ નજીકથી જાણવામાં મદદ કરશે અને હિતુ કનોડિયાનાં શબ્દો તેના ચાહકોની પ્રેરણા બનવા મદદરૂપ થશે. હિતુ કનોડિયા તેના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘1976માં ફિલ્મ ‘વણઝારીવાવ’માં બાળ કલાકાર તરીકે મારા એક્ટિંગ કરિયરની શરૂઆત થઈ. 20 જેટલી ફિલ્મો મે ચાઈલ્ડ એક્ટર તરીકે કરી છે. હું ચાઈલ્ડ સુપરસ્ટાર હતો. ત્યારે મારા માટે ફિલ્મમાં ગીત અને ફાઈટનો સીન રાખવામાં આવે અને ફિલ્મમાં ગીત આવે એટલે ચિલ્લર ઉડે. ‘મનડાનો મોર’ મારી પહેલી હિરો તરીકેની લવસ્ટોરી ફિલ્મ હતી. અત્યાર સુધીમાં ૯૦ જેટલી ફિલ્મોમાં મે અભિનય કર્યો છે. સામાન્ય રીતે દરેક ફિલ્મ પાછળ એક મેકિંગ સ્ટોરી હોય છે પરંતુ ફિલ્મ મેરુમાલણ વખતે હું નવ વર્ષનો હતો અને ત્યારે તેમા સાચે જ ઘર શળગાવવામાં આવતાં તો એ સમયે હું સાચે જ રડતો અને સાચો અભિનય થતો. જે મારી ખૂબ નજીક છે એ ફિલ્મ છે ‘રાજ રતન’ કારણ કે મે તેમાં મારા પિતા સાથે કામ કરેલ. તેમાં મારા પપ્પા સાથે ફાઈટ સીન કરવાનો હતો, જેમાં 12 13 રીટેક થયા, પછી પપ્પા મને સાઈડ પર લઈ ગયા અને મને કહ્યું કે, એક્ટિંગ પર ફોકસ કર અને થોડી વાર માટે આપણા રીલેશન ભૂલી જા. આમ મને તેમની પાસેથી જીવન અને એક્ટિંગ બંનેના પાઠ મળ્યા છે. મારી દરેક ફિલ્મ મને ખૂબ જ પસંદ છે પરંતુ ‘મારા રુદયે રંગાણા તમે સાજણા’ મારી ગમતી ફિલ્મ છે. એ ઉપરાંત જન્મોજનમ ફિલ્મ મારી વધુ નજીક છે કારણ કે એ ફિલ્મથી હું ને મોના નજીક આવ્યાં હતાં. અમે બંનેએ સાથે 20 ફિલ્મો કરી છે. ખૂબ ઝડપથી મારી ‘રાડો’ ફિલ્મ રજૂ થવાની છે. જ્યારે બીજી અન્ય ત્રણથી વધુ ફિલ્મો પ્રોડક્શનમાં છે. તાજેતરમાં વેબસિરિઝ આવી છે. જેમાં પણ મે અને મોનાએ સાથે કામ કર્યુ છે. આમ ફિલ્મી સફર મારી ખૂબ જ સરસ રહી છે અને ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રી એ મારું ઘર છે, મારો પરીવાર છે અને હંમેશા રહેશે.’ નેતા તરીકેની કારકિર્દી વિશે વાત કરતા હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, મારો પરિવાર 1991થી રાજનિતી થકી લોકસેવા કરે છે. મહેશબાપા ચાર વખત મેમ્બર ઓફ પાર્લામેન્ટ પાટણથી બન્યા. મારા પપ્પા કરજણથી ધારાસભ્ય હતા. પરંતુ હું હિરો હતો અને સીધો ધારાસભ્ય બની ગયો એવું નથી. હું મારી પાર્ટી માટે 1991થી પ્રચાર કરતો, ગામડે ગામડે ફરતો અને લોકોની સાચી પરિસ્થિતિ જાણતો, સમજતો. ખેડૂતોની સમસ્યાને ગ્રાઉંડ પર જઈને, તેના ખેતરોમાં, ફળીયે જઈને જાણી અને તેનો ઉકેલ લાવવાની કોશિશ કરી. આમ મને લોકચાહના સાંપડ્યાં અને ત્યારબાદ ધારાસભ્ય તરીકેની ટિકિટ મળી. ઈડરવાસીઓએ મારા ઉપર વિશ્વાસ મુક્યો અને મને તેની સેવા કરવાની તક આપી. લોકોની સમસ્યા હું દૂર કરી શકું છું એ માટે ઈશ્વરે મને નિમિત બનાવ્યો તેનો મને રાજીપો છે. લોકો જ્યારે આભાર માનવા આવે છે અને તેની આંખમાં જે વિશ્વાસ અને ધરપત મને દેખાય છે એ જ મારી સાચી કમાણી છે. ત્યારે હું મારા પપ્પા અને બાપાનો વારસો જાળવી શક્યાનો સંતોષ અનુભવુ છું. ‘ધ ફુટેજ’ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપતા હિતુ કનોડિયાએ કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીની સાચી વાતો અને સમાચાર લોકો સુધી પહોચાડવાનું જે ઉમદા કાર્ય થઈ રહ્યું છે એ હંમેશા અવિરત રહે.