બચપણથી જ જેમણે ફિલ્મ જગતને ખુબ નજીકથી જોયું છે એવા આરોહી પટેલને આજે સૌ કોઇ ખુબ સારી રીતે જાણે છે. લવની ભવાઇ અને ચાલ જીવી લઇએ જેવી સુપરહીટ ગુજરાતી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી આરોહીનો જન્મ અમદાવાદમાં જ થયો છે. તેમણે માસ્ટર સુધીનો અભ્યાસ કર્યો છે. આરોહી કહે છે મને બચપણથી જ એ માહોલ મળ્યો છે જેથી સ્વાભાવિક હું ફિલ્મ લાઇનમાં જ આગળ વધુ એવી ઇચ્છા હતી. બચપણથી ફિલ્મ સેટ, સ્ટુડીયોને જોનાર આરોહી એક્ટિંગમાં આગળ વધશે એવું નક્કી નહોતું. તેઓ કહે છે કે છેક લવ ની ભવાઇ ફિલ્મ કરી ત્યાં સુધી એવું નહોતું વિચાર્યું કે હું એક્ટિંગ કરીશ. પણ મને ફિલ્મ પ્રોડક્શન એડિટીંગ ખુબ રસ હતો. આરોહીએ રેડિયો અને ન્યુઝ ચેનલમાં પણ કામ કરેલું છે. તેમના પપ્પા સંદીપ પટેલ જેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે વર્ષોથી ડિરેક્ટર તરીકે ખુબ સફળ રહ્યા છે અને તેમના મમ્મી આરજે અને પ્રોડ્યુસર આરતી પટેલ છે, આરોહી કહે છે પપ્પા મમ્મી તરફથી એવું ક્યારેય નહોતું કહેવામાં આવ્યું કે હું ફિલ્મ લાઇનમાં જ આગળ વધુ. પરંતુ કહેવાય છે કે, જેવા માહોલમાં તમે ઉછરો તેવા જ ગુણ તમારી અંદર આવે.
આરોહીની પહેલી ફિલ્મ વિજયગીરી બાવાની ‘પ્રેમજી’ હતી. તેઓ કોલેજ કરતા હતા ત્યારે તેમણે આ ફિલ્મ કરી હતી. ત્યારબાદ લવની ભાઇ, ચાલ જીવી લઇએ અને મોંન્ટુની બિટ્ટુ જેવી ખુબ સફળ ફિલ્મો તેમણે કરી છે. તેઓ કહે છે કે, એક્ટિંગ બાબતે હજુ પણ વિચારું છું કે, મને નથી લાગતું કે હું માત્ર એક્ટિંગ જ કરીશ. તે સાથે મને પ્રોડક્શન અને એડીટિંગમાં પણ કામ કરતાં રહેવું છે. તેઓ કહે છે મારા માટે સૌથી યાદગાર અનુભવ ચાલ જીવી લઇએ નો રહ્યો છે, આ ફિલ્મ મને હમેશાં યાદ રહેશે. પોતાના અનુભવથી તેઓ કહે છે કે, હું ફિલ્મની પસંદગી હોય કે મારા તરફથી અપાતો કોઇ મેસેજ જેમાં લોકોને કોઇ ખોટી ઇન્ફોરમેશન કે મેસેજ જાય તેવું નથી ઇચ્છતી. એટલે ફિલ્મ પસંદગી વખતે પણ હું એ જ વાત ધ્યાનમાં રાખું છું.
તેઓએ ગુજરાતી સિનેમાનાં વર્ષો પહેલાનાં માહોલને પણ ખુબ નજીકથી જોયો છે, હવેનાં સમય વિશે તેઓ કહે છે, ધીરે ધીરે જેમ આપણે આગળ વધી રહ્યા છીએ, આપણી ઇન્ડસ્ટ્રી ખુબ ગ્રોથ કરી રહી છે અને આગળ પણ હજુ સારો ગ્રોથ કરશે. તેમા કોઇ શંકા નથી.
લવની ભવાઇ વિશે તેઓ કહે છે કે, આ ફિલ્મ મારા પપ્પાએ ડીરેક્ટ કરી છે, આ અનુભવ તો બેસ્ટ રહ્યો જ છે પણ પપ્પા અને મારા વચ્ચે ઘણા ડિફરન્સ ઓફ ઓપીનીયન હોય છે. કહી શકાય મારા અને પપ્પા વચ્ચે ટોમ એન્ડ જેરી જેવું રિલેશન છે. સેટ પર ઘણીવાર થોડો તંગ માહોલ જોવા મળતો. પણ એ અમારી વચ્ચેનો એવો જ પ્રેમ છે. મારા સૌથી સારા અનુભવમાં ફિલ્મ ‘ચાલ જીવી લઇએ’ છે. સિધ્ધાર્થ રાંદેરીયા જેવા અનુભવી અને સિનીયર કલાકાર પાસેથી ખુબ શિખવા મળ્યું. આ ફિલ્મ પછી જે અનુભવો થયા તે ખુબ યાદગાર રહ્યા છે.
પોતાના કામ પ્રત્યે ખુબ ઇમાનદારી રાખવી ખુબ જરૂરી છે હું એક કલાકાર તરીકે આ વાત હમેશા ધ્યાનમાં રાખું છું. હું ઓન સ્ક્રીન અને ઓફ સ્ક્રીન બિલ્કુલ જુદી વ્યક્તિ છું. મારી ફિલ્મો જોતા લોકોને કદાચ એવું લાગે કે આરોહી આવી જ હશે, પરંતુ એવું બિલ્કુલ નથી. હું ખુબ ઇન્ટ્રોવર્ડ માણસ છું, લોકો સાથે ખુબ ઝડપથી હું મેચ ન થઇ શકું. મારા માટે મારા મોરલ અને પરીવાર ખુબ મહત્વ ધરાવે છે જેના પર હમેશાં હું કેન્દ્રીત હોઉં છું. મને મારા મિત્રો સાથે ખુબ મજા આવે પણ હુ દરેક વાતમાં ખુબ ધ્યાન રાખું છું. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા સારા મિત્રોમાં નૈત્રી ત્રિવેદી, કિંજલ દવે અને મલ્હાર છે.
તાજેતરમાં ઓટીટી પર તેમની એક વેબસિરિઝ કડક મિઠી ચા ચાલી રહી છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને આવનાર ટુંક સમયમાં તેમની એક ફિલ્મ આવી રહી છે. પોતાના ચાહકોને તેઓ કહે છે હવે થિયેટર ખુલી રહ્યા છે તો જ્યારે ગુજરાતી ફિલ્મો આવે ત્યારે બધા જ ફિલ્મો જોવા જજો અને ગુજરાતી સિનેમાને જે પ્રેમ આપી રહ્યા છો તે આપતા રહેજો.
ધ ફુટેજ માટે તેઓ ખુબ પોઝીટીવ થઇ ને કહે છે આપ ખુબ સારું કામ કરી રહ્યા છો, ગુજરાતી સિનેમાની વાત લોકો સુધી પહોચાડી રહ્યા છો જે ખુબ સારી વાત છે. આભાર.