સ્ટેજ પરથી લોકોના તન મનને ડોલાવતા સીંગર અરવિંદ વેગડાને એક સમયે સ્ટેજ ઉપર જવામાં પણ ખૂબ ડર લાગતો હતો. તમે બિલકુલ સાચું વાંચી રહ્યાં છો. આ વાત કોઈએ કહેલી કે સાંભડેલી નથી પરંતુ ધ ફુટેજ સાથે અરવિંદ વેગડાએ પોતાની વાતચિત દરમિયાન જણાવેલી વાત છે. પોતાની ગાયકી, જુદી જ સ્ટાઈલ અને અનોખી ફેશનથી ચાહકોના દિલમાં સ્થાન મેળવનાર અરવિંદ વેગડાએ પોતાની અનેક અજાણી વાતો ધ ફુટેજ સાથે શેર કરી હતી. ડગલેને પગલે કરેલા સંઘર્ષ વિશે પણ જણાવ્યું હતું, તો તેમના હોલિવુડમાં જવાના સપના વિશે પણ કહ્યું હતું.
અરવિંદ વેગડાના જ શબ્દોમાં કહીએ તો, ‘ગાયકીને મારું પ્રોફેશન બનાવવાનો વિચારસુધ્ધા મે ક્યારેય નહોતો કર્યો. ગાયન એ મારો શોખ હતો, મારું પેશન હતું પરંતુ પ્રોફેશન ક્યારેય નહીં. મારી ખુશી માટે હું ગાતો. જોકે મને સ્ટેજ ઉપર જવામાં ખૂબ જ ડર લાગતો હતો. પહેલી વખત ડરતા ડરતા સાતમાં ધોરણમાં મે એક કવિતા ગાઈ હતી અને એ જ મારો સીંગીગનો પહેલો એક્સ્પિરિયન્સ. ત્યારબાદ અગિયારમાં ધોરણમાં મિત્રોની જીદના કારણે વધુ એક વખત ગાવાનું થયું. સોસાયટીમાં પહેલી વાર માઈક્રોફોનમાં ગાયુ અને વન્સમોર થયું. દસમાં ધોરણ સુધી હું કલ્ચરલ એક્ટિવિટીથી દૂર અને સ્પોર્ટ્સમાં ખૂબ એક્ટિવ હતો પરંતુ અચાનક ભારે માંદગીના કારણે મારે સ્પોર્સ્ટ છોડવું પડ્યું. હું ધીમે ધીમે કલ્ચરલ એક્ટિવિટી તરફ વળ્યો. સોળ વર્ષની ઉંમરે એક કોમ્પિટીશનમાં ગાવા માટે હું ગયો.તે લોકોએ પહેલા હા પાડી અને પછી મને વારો જ ન આપ્યો. હવે તે ઉંમરનું એક્સાઈટમેન્ટ સમજી શકાય. હું ખૂબ નાસીપાસ થયો હતો. ગાવાનું નહીં નક્કી કર્યુ અને ભણવામાં ધ્યાન આપ્યું. હવે કોલેજનો સમય હતો. કોલેજમાં મને ખૂબ કલ્ચરર એક્ટિવિટી કરવાની તક મળતી. ત્યારે અનુકપુરની અંતાક્ષરી આવતી. તેમાં હું સિલેક્ટ થયો પરંતુ કોઈ કારણોસર હું તેમા જઈ શક્યો નહીં. કોલેજમાં બે વર્ષ સુધી સીંગીંગમાં હું સિલેક્ટ ન થયો. ત્યારે હું ડ્રામામાં સિલેક્ટ થયેલો. એટલે થયું કે ડ્રામામાં જ આગળ વધવું, પરંતુ પપ્પાનું મન નહીં એટલે ફીના પૈસા જ માગ્યા નહીં અને નોકરી શરૂ કરી. નોકરી કરતાં કરતાં ભણવાનો વિચાર આવ્યો અને એલ.એલ.બીમાં એડમિશન લીધું. બે જ લેક્ચર બાદ એ છોડ્યું અને છ વર્ષ સુધી એરકંડિશન વેચ્યાં. મારી પહેલી નોકરી એક સેલ્સ પર્સન તરીકેની હતી. જેમા 1500 રૂપિયાનો પગાર મળતો.’
હાલમાં હજારો યુવાનો આઈડલ એવા અરવિંદ વેગડાએ વધુ વાત કરતા જણાવ્યું હતું કે, ‘2001 સુધી મારા જીવનમાં કોઇ એવો ગોલ નહોતો કે જે મારે અચીવ કરવો હોય. એમ થતું કે સેલ્સ મેનેજર બનવું અને 15-17 હજારની નોકરી કરી રાજી રહેવું. પણ કહેવાયને કે જિંદગી દરેકને એક તક આપે છે. મારા જીવનમાં પણ આવી તક 2001માં આવેલી. ત્યારે વધુ એક વખત સ્ટેજ પર ગાવાનું થયું. ફરીથી 2006 સુધી મે નોકરી કરી અને ત્યાર પછી ભાગીદારીમાં એક બિજનેસ શરૂ કર્યો. જે એક વર્ષમાં બંધ કરીને 2009થી ફ્રિઝ અને એસીનો બિજનેસ શરૂ કર્યો. જે વર્તમાન સમય સુધી ચાલી રહ્યો છે. 2005માં મારું પોતાનું ઓર્કેસ્ટ્રા કર્યુ. છ વર્ષના સંઘર્ષ બાદ 2011માં ભલામોરી રામા…. ભાઈ..ભાઈ ગીત આપ્યું અને લોકોએ મને સ્વિકાર્યો. પછી સ્ટેજનો ડર ગાયબ થઈ હતો. જીવનમાં હું ઘણુંબધું નથી થયો છતાંય આજે કશુંક થયાનો આનંદ થયો. ડગલે ને પગલે હું સંધર્ષ કરતો રહ્યો અને હજી પણ કરું છું. આજે મારી પાસે સારી ટીમ છે, છતાંય હું દોડું છું. મારા કોસ્ચ્યુમ લેવાથી માંડી અને શોમાં રાતોના ઉજાગરા સુધીની મહેનત હું કરું છું.’
ગુજરાતી એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીને ભરપૂર મનોરંજન પીરસનાર અરવિંદ વેગડા હજુ પોતાના કામથી સંતુષ્ટનથી. તેમને એવું લાગે છે કે તેમનામાં ઘણું વધુ કામ કરવાની ક્ષમતા છે. આ બાબત અને ગુજરાતી એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતા અરવિંદ વેગડાએ કહ્યું હતું કે, ‘હા મને ચોક્કસ પણે એવું થાય છે કે મારે હજી ઘણું કામ કરવાનું બાકી છે. મારી ક્ષમતા જેટલું કામ મે નથી કર્યુ. હું કરીશ. હોલીવુડમાં પણ મારે કામ કરવું છે. નાના ગરબા ગાવાથી કરેલી શરૂઆત આજે લોકોના મનમાં સ્થાન મેળવ્યા સુધીની સફરનો આનંદ ચોક્કસ છે. ગુજરાતી ફિલ્મો વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોમાં ઘણા બદલાવની જરૂર છે. જોકે સમય સાથે ગુજરાતી ફિલ્મો પણ બદલાઈ રહી છે. ધીમે ધીમે ગુજરાતી ફિલ્મો પણ તેનું આગવું સ્થાન ઉભું કરશે. તેના માટે લોકોએ તેની માનસિકતા અને નજર બદલવાની જરૂર છે. જેથી નવા કલાકારો આ ક્ષેત્રે તેની કારકિર્દી બનાવવાનું વિચારી શકે. નામ અને દામ બંને મળે તો કલાકારોને અન્ય નોકરી કે બિઝ્નેસ કરવા પડે નહીં અને તે વધુ સારું પરિણામ આપી શકે.’
અરવિંદ વેગડાને ફિલ્મો વિશે પુછતા તેમને જણાવ્યું હતું કે, અનેક ગુજરાતી ફિલ્મોમાં સિંગર તરીકે કામ કર્યુ છે. એક ગુજરાતી ફિલ્મ ‘ છુટી જશે છક્કા’માં લોલાભાઈ તરીકે અભિનય કર્યો છે. વધુ એક સિક્રેટ શેર કરતા કહ્યું હતું કે તેમને એક ફિલ્મ બનાવી છે. એ નજીકના ભવિષ્યમાં લોકોને જોવા મળી શકે છે. જોકે નામ આપવાનું તેમને ટાળ્યું હતું. પોતાના ચાહકવર્ગ માટે અરવિંદ વેગડાએ સંદેશ આપતા કહ્યું હતું કે, એન્ટરટેઇનમેન્ટ દરેક ભાષાનું અને પ્રદેશનું માણો પરંતુ ગુજરાતીને ચાહવાનું ઓછું કરવું નહીં. ગુજરાતી જેવા ગરબા નહીં તેવી ઈમેજ ગુજરાતી ફિલ્મોની પણ ઉભી કરવામાં સાથ આપો. કલાકારો અને કસબીઓને વધુ માન સન્માન આપતા રહો. ધ ફુટેજ કલાકારોને લોકો સુધી પોચાડવાનું , તેમની વાત દર્શકો સુધી લઈ જવાનું તેનું કામ અવિરત કરતું અને સતત નવુંને નવું કશું લાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.