અવની પોતાનો પરિચય આપતા જણાવે છે કે, મે અમદાવાદમાં ગ્રેજ્યુએશન પુરું કર્યું, ત્યારબાદ  ફેમિલીને એક્ટિંગનાં ફિલ્ડમાં કામ કરવાની ઇચ્છા વ્યકત કરી, ત્યારે મારા ફેમિલીએ ખૂબ જ પોઝીટીવ એપ્રોચ સાથે જણાવ્યું કે, ‘તો તારે મુંબઇ શિફ્ટ થવું જોઈએ’, એટલે હું મુંબઇ શિફ્ટ થઈ.

પોતાની કારકિર્દીની શરૂઆત વિશે જણાવે છે કે, હું કૉલેજમાં હતી ત્યારે  નાટકોમાં ભાગ લેતી હતી. મુંબઇ આવ્યા પછી મને ખબર નહતી કે ન્યુકમરે ફિલ્મલાઇનમાં એન્ટ્રી લેવા શું કરવું જોઈએ? મુંબઈ આવીને મેઁ ગુજરાતી નાટકમાં કામ કર્યું.  એક્ટિંગના ફિલ્ડમાં પ્લેટફોર્મ મળે એ માટે મારી રીતે પ્રયત્ન કરતી રહેતી. ઘણાં નવા અનુભવો થયાં, નવું શીખવા મળ્યું. સતત ઓડીશન આપતી રહેતી. એ દરમ્યાન  એક કાસ્ટિંગ એજન્સીની મુલાકાત લીધી, ત્યારે તેમને મને જણાવ્યું કે, ‘તમારી પર્સનાલિટી સાઉથની હિરોઈન જેવી છે તો તમે સાઉથની ફિલ્મોમાં ટ્રાય કરો’. મેઁ ક્યારેય આ વિશે વિચાર્યું નહતું. એમને મને મારા ફોટોગ્રાફ સાઉથની ફિલ્મો માટે મોકલવા પુછ્યું, એટલે મેઁ હા પાડી. ત્રણ ચાર પ્રોજેક્ટ માટે મારા પિક્ચર મોકલ્યા. તેમાંથી એક પ્રોડ્યુસર ડાયરેકટર મુંબઇ આવ્યાં હતાં, ત્યાં મને ઓડીશન આપવા માટે  ફોન આવ્યો. હું થોડી મુંઝવણમાં હતી કારણ એ તમીલ ફિલ્મ હતી અને મને તમીલ ભાષા આવડતી નહતી. એટલે એમને કીધું તમે ઓડિશન ઈંગ્લીશમાં આપો. પછી તમિલ કેમ બોલવી એ અમે શીખવાડી દઈશું. હું સિલેક્ટ થઈ અને એ તમિલ ફિલ્મથી મેઁ એક્ટ્રેસ તરીકે કારકિર્દીની શરૂઆત કરી.

સાથોસાથ બોલિવૂડમાં પણ મારા પ્રયત્ન ચાલુ જ હતાં. મધુર ભંડારકરનું ‘કેલેન્ડર ગર્લ્સ’ ફિલ્મ માટે કાસ્ટિંગ ચાલુ હતું.  તેમાં મારા પિકચર સિલેક્ટ થયા અને ઓડિશન માટે મને ફોન આવ્યો. મારુ ત્રણ સ્ટેપમાં ઓડિશન લેવાયું. લગભગ બારસો થી પંદરસો આર્ટીસ્ટમાંથી પાંચની પસંદગી થઈ એમાંની એક હું પણ હતી. ત્યારે મને એક આર્ટીસ્ટ તરીકે નવી ઓળખ મળ્યાનો ખૂબ આનંદ થયો. એ પછી મને ઘણી ફિલ્મોની ઓફર આવી.

૨૦૧૬ માં ‘કેરી ઓન કેસર’ ગુજરાતી ફિલ્મની ઓફર આવી. સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી પહેલી મીટીંગમાં જ ફિલ્મ ફાઇનલ કરી. એ પછી ‘બાપુ ક્યાં છે?’  બીજી ગુજરાતી ફિલ્મ પણ કરી છે. એ ફિલ્મની સ્ટોરી પોલિટીકસ શેટાયર આધારીત છે. ફિલ્મ બનીને દોઢ વર્ષ જેવું થયું, છતાં કોઇક કારણસર રિલીઝ થઈ શકી નથી. આશા છે કે જલ્દી રિલીઝ થશે.

તમારું ફોકસ કઇ લાઈનમાં છે ગુજરાતી, હિન્દી કે સાઉથ? પ્રશ્નના જવાબમાં જણાવે છે કે, આ સવાલ મને ઘણાં લોકો કરે છે. હું ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા રાખું છું. ભાષા મારા માટે ગૌણ બાબત છે. હાલ એક મરાઠી ફિલ્મની  ઓફર પણ આવી છે, સાથે હું સારી ફિલ્મો કરવા માંગુ છું. અત્યાર સુધીમાં હું આઠ થી દશ ફિલ્મોની ઓફર રિજેક્ટ કરી ચૂકી છું. મારી પ્રથમ પસંદગી અત્યારે બૉલીવુડ છે, કારણ કે હિન્દી ફિલ્મોનું બજેટ સારુ હોય છે, માટે કમાણી સારી મળી રહે છે. સારી ગુજરાતી ફિલ્મો મળે તો ચોક્ક્સ કરીશ. પરંતું તેનું બજેટ લિમિટેડ હોય છે એટલે વધારે ડિમાન્ડ ન કરી શકાય. એની સરખામણીએ સાઉથ અને હિન્દી ફિલ્મોમાં સારી ઓફર મળી શકે છે.

ફિલ્મી દુનિયાના અનુભવ જણાવતા કહે છે કે, આ ફિલ્ડમાં કોઈ કોઇના ભાઈ કે બાપ હોતા નથી. જ્યારે એક સ્ત્રી તરીકે આ ફિલ્ડ પસંદ કરો ત્યારે તેના સારા નરસા દરેક અનુભવ માટે તમારે મેંટલિ પ્રિપેર રહેવું જરૂરી હોય છે. બીજી મહત્વની વાત એ છે કે તમારામાં ગમે એટલું ટેલેન્ટ હોય, પરંતું જયાં સુધી પ્રોડ્યુસર ડિરેક્ટરને પસંદ ન આવે ત્યાં સુધી એ ઝીરો જ ગણાય છે. એટલે પોતાની જાતને ઉત્કૃષ્ટ સાબિત કરવાના પ્રયત્ન કરતા રહેવાની સાથે પરિસ્થિતિને  પોતાના અનુરૂપ બનાવવા સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ. આગામી સમયમાં મારી બે ફિલ્મો આવી રહી છે. એક પોલિટિકલ સટાયર અને બીજી કોમેડી પ્રકારની ફિલ્મ છે.

પોતાના યાદગાર પ્રસંગ જણાવતા કહે છે કે, લોકો એવું સમજે છે કે એક્ટિંગ બહુ સહેલું ફિલ્ડ છે પરંતું અનુભવ કરીએ ત્યારે ખબર પડે કે આ ફિલ્ડમાં કેટલી મહેનત છે અને કામમાં કેટલું ડિડિકેશન આપવું પડતું હોય છે. આ ફિલ્મમાં એક સીન મેઁ 45° તાપમાનમાં માત્ર શોર્ટ પહેરીને આપ્યો છે જે આજે પણ મને યાદ છે. આ ફિલ્ડ કેટવોક કરવા જેટલું સહેલું નથી.

હિન્દી અને ગુજરાતી ફિલ્મોના અનુભવ વિશે જણાવે છે કે હિન્દી કરતા ગુજરાતી ફિલ્મોનું વર્ક લિમિટેડ હોય છે. બજેટની લિમિટમાં રહીને વર્ક કરવાનું હોય છે. મોટા ગજાના કલાકારો કે ટેકનીશિયન અફોર્ટ કરી શકાતા નથી. છતાં પણ નાના બજેટની ફિલ્મ કરવાની પણ એક અલગ મજા હોય છે. આ પરિસ્થિતિ હોવા છતાં સચીન-જીગર જેવા સંગીતકારો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ જ સારુ પરફોર્મ કરી રહ્યાં છે, એ ખૂબ જ સરાહનીય બાબત છે. ગુજરાતી ભાષા પ્રત્યે મને ખૂબ લગાવ છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે મારા લેવલે જે કાંઇ થઈ શકશે હું કરીશ.

ગુજરાતીઓ માટે સંદેશમાં જણાવે છે કે, ગુજરાતીઓને પોતાની ભાષા પ્રત્યેનું ગૌરવ દિવસે દિવસે ઘટતું ચાલ્યુ છે. માઁ-બાપ પોતાના છોકરાઓને ઈંગ્લીશ મીડીયમમાં ભણાવી રહ્યાં છે. ઈંગ્લીશ મીડીયમમાં ભણાવવું ખોટું નથી. પરંતું ધીરે ધીરે ગુજરાતી ભાષા માત્ર એક વિષય તરીકે જ જાણવા લાગ્યા છે. ઘણાં બાળકોને ગુજરાતી શબ્દોના  અર્થની પણ ખબર પડતી નથી. આ બાબત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ લાલબત્તી સમાન સાબીત થઈ શકે છે. ગુજરાતી ભાષા જ ન આવડતી હોય તો ગુજરાતી ફિલ્મો જોવા શા માટે જશે? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ટકાવવા માટે  ગુજરાતી ભાષાનો વારસો ટકાવવો પણ એટલો જ જરુરી છે. એ માટે જરૂર પડે કડક પગલાંઓ પણ લેવા જોઈએ.

છેલ્લે ‘ધ ફૂટેજ’ માટે સંદેશમાં જણાવે છે કે, તમારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તમારા આ સપ્લીમેન્ટને વાંચકો ખૂબ પસંદ કરે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પોતાનો સહયોગ આપે એવી અપીલ કરૂં છું અને મારાથી પણ જેટલો સહયોગ થઈ શકશે એટલો કરીશ.

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *