બેચલર્સ ઇન બિઝનેસ મેનેજમેંટ,બેગલોરમાં યુનિવર્સિટીમાં પ્રથમ અને બી.કે.સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં એમબીએમાં પણ યુનિવર્સિટીમાં પ્રથમ આવેલ આ ચહેરો નવ નવ ફિલ્મો સાથે આવીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક નિશ્ચિત સ્થાન શોભાવે છે. ભક્તિ કુબાવત એટ્લે લગભગ મોટાભાગે ન્યૂઝ ચેનલ પર પણ પેનલોમાં છવાયેલો ચહેરો. જેના માટે ભક્તિનું કહેવું છે કે, એમનો મત લોકોને ગમે છે અને તેમની વાતો લોકો સાંભળે પણ છે એ મારા માટે ગર્વની વાત છે.
બેંગલુરુમાં અભ્યાસ સાથે જ કમાવાની તક મળતાં મોડેલિંગ કરવા મળે ને વળી આઇપીએલ 4ની એક એડમાં પણ કામ કરવાનો મોકો મળે અને અમદાવાદ આવ્યા પછી ફેમિનાના કવરપેજ પર ચમકવા મળે એ પછી કયા એકસપોઝરની જરૂર રહે? અને આમ જ ભક્તિની કારકિર્દી પાટે ચઢવા લાગી.
2003માં એમબીએ પૂરું થતાં જ એક હાથમાં નોકરી અને એક હાથમાં સ્ક્રિપ્ટ મળે તારે સ્વાભાવિક છે સ્ક્રિપ્ટ જ જીતે અને ભક્તિને મળી ફિલ્મ ‘બસ એક ચાન્સ’.પણ આ ચાન્સ પછી તો ભકતીને રોકાવું જ નથી પડ્યું અને એ પછી ‘પેલા અઢી અક્ષર, હુતુતુતુ, વિટામિન શી, લપેટ, બેક બેન્ચર જેવી નવ ફિલ્મો આવી ગઈ. અને આવનારી ફિલ્મોમાં એક ફિલ્મ ’24 કેરેટ પિત્તળ’ ડિસેમ્બરમાં રીલીઝ થવાની છે, જ્યારે બીજી બે ફિલ્મ પોસ્ટ પ્રોડકશનમાં છે. જ્યારે એક હિન્દી ફિલ્મનું પણ ડબિંગ હમણાં જ પત્યુ છે. આ સિવાય એક હોરર ફિલ્મનું શૂટિંગ પણ ચાલું છે.
ગુજરાતી સિનેમાના પોતાના અનુભવ વિષે ભક્તિ કહે છે કે અહીં રિસ્પોન્સ ઘણો સારો છે. ખુલ્લા દિલે લોકો આવકારે છે અને એના કારણે જ તે આજ સુધી અહીં ટકી શકે છે. કો સ્ટાર અને ઈન્ડસ્ટ્રીના લોકો સાથે પણ ખૂબ સારો અનુભવ રહ્યો છે. લોકો એકબીજાનું માન જાળવે છે અને સહકાર આપે છે.
જો કે એક નોંધવા જેવી વાત ભક્તિ કરે છે કે અહીં અભિનેત્રીને અભિનેતા કરતાં ઓછું વેતન મળે છે પછી તે અભિનેતા બિનઅનુભવી કેમ ન હોય. અને બીજી વાત કે ગુજરાતી સિનેમામાં જૂથબંધી ખુબ જ છે, જ્યાં મિત્રો અને ઓળખીતાઓને પહેલો ચાન્સ મળે છે અને ક્યારેક ટેલેન્ટ પર ધ્યાન નથી અપાતું એ દુ:ખની વાત છે.
હાલમાં જ ભક્તિને લંડન જવાનું થયું ત્યારે ત્યાંના પાર્લામેન્ટમાં તેમણે સરસ રીતે આવકાર મળ્યો. વેસ્ટ મિનિસ્ટર પેલેસમાં તેમણે સન્માનિત કરવામાં આવ્યા અને ત્યાંના લોર્ડે ત્યાંની ચેનલમાં પણ ભક્તિ કુબાવતનો ઉલ્લેખ કર્યો. ગુજરાતી ફિલ્મની અભિનેત્રી તરીકે આટલે પહોંચવું એ એક સિદ્ધિની વાત કહેવાય.
‘ધ ફૂટેજ’ વિષે ભક્તિ આભાર માનીને કહે છે કે તમે ગુજરાતી સીનેમાને આટલું એકપોઝર આપો છો એ અમારા માટે ખૂબ જરૂરી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પ્રિન્ટ મીડિયામાં આટલું સ્થાન હજી કોઈએ આપ્યું નથી. આવી રીતે તમે અમારા વિષે જાણકારી આપો ત્યારે લાગે કે અમારી વાત કરનારું પણ અમારી સાથે કોઈ ઊભું છે.