ગુજરાતી સિનેમાનાં શ્રેષ્ઠ નિર્માતા, શ્રેષ્ઠ નિર્દેશક, શ્રેષ્ઠ ફિલ્મ તેમજ શ્રેષ્ઠ કલાકાર સહિતની વિવિધ ૪૬ કેટેગરીમાં આશરે ૧૮૧ ચલચિત્રને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે એવોર્ડ એનાયત થયા
રોંગ સાઈડ રાજુ, લવની ભવાઈ, રેવા અને હેલ્લારોને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ
કલાકારને તેમની કલાની કિંમત થાય અને તેને માન સન્માન મળે તે ખુબ મહત્વની બાબત છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધીમે ધીમેં બેઠી થઇ રહી છે ત્યારે જો ગુજરાત સરકારનો સહયોગ મળે તો આ ઇન્ડસ્ટ્રીનો પણ વિકાસ નિશ્ચિત છે. પ્રોત્સાહનની વાત તો પછી કરીશું અત્યારે રાહતની વાત કરીએ કે ગુજરાત સરકારે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને મોડા મોડા પણ સન્માનિત કરવાનુ આયોજન કર્યુ ખરું. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિવિધ ૧૮૧ કલાકારોને તેમની કલા માટે સન્માનિત કરવામાં આવ્યાં હતા.
ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાયેલ સમારોહમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૪૬ જેટલી વિવિધ કેટેગરીમાં ૧૮૧ કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં છે. માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ માહિતી નિયામક કચેરી દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ચલચિત્રોને પારિતોષિક એનાયત કરવામાં આવે છે પરંતુ આ વખતે તો જે ભવ્યતાથી ગુજરાતી કલાકારોને સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તે ઉડીને આંખે વળગે એવું અને યાદગાર પણ છે. કારણ કે ચાલુ વર્ષ એટલે ૨૦૨૩ જે એવોર્ડ આપવામાં આવ્યાં છે તે આ વર્ષ કે ગત વર્ષ માટેનું સન્માન નથી પરંતુ વર્ષ ૨૦૧૬થી ૨૦૧૯ સુધીના એવોર્ડ છે. એટલે ૨૦૨૦/૨૧ અને ૨૦૨૨ના પારિતોષિક માટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં કલાકારોએ હજુ બીજા બે-ચાર વર્ષ રાહ જોવી પડે એવું બની શકે છે.
એક તરફ સિને વર્લ્ડમાં ખૂબ સંઘર્ષ છે. આવો આકારો સંઘર્ષ કોઈ સતત કરતાં રહે તો પણ તેને લોકો સ્વીકારશે કેમ તે સવાલ હંમેશા ચિંતાજનક અને ચિંતનજનક રહ્યો છે ત્યારે સરકાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે વિચારે અને તેને મદદ કરે તો કલાકારોને સારી ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહન મળે. કલાકારોની સખત મહેનતને દર વર્ષે પ્રોત્સાહિત કરવામાં પણ સરકારની ઉદાસીનતા નવા ઉમદા કલાકારો પેદા થતા રોકે છે. એવોર્ડ એ કલાકારો માટે માત્ર તેમના ઘરની દિવાલ ઉપર લગાવવા માટેનું શો પીસ નથી પરંતુ કલાકાર માટેનું પ્રોત્સાહન છે. એ તેમણે કામનાં વળતર કરતા વધુ પ્રિય હોય છે.
પારિતોષિકથી સન્માનિત થયેલા તમામ કલાકારોને શુભેચ્છાઓ પાઠવતા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતી ચલચિત્રો અને તેની સાથે સંકળાયેલા નિર્માતાઓ-કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ફિલ્મ ઉદ્યોગને પ્રવાસન સાથે સાંકળીને મુખ્યમંત્રીશ્રીએ ગત વર્ષે જ ગુજરાતની સૌપ્રથમ ‘સીનેમેટિક ટુરિઝમ પોલિસી’ અમલમાં મૂકી છે. ગુજરાતી ફિલ્મો પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવી રાજ્ય સરકારે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે મજબૂત ઇકો સિસ્ટમ ઉભી કરવા માટે ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ વિકાસ કર્યો છે. જેના પરિણામે આજે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માત્ર આજીવિકાનું સાધન નહિ, પણ અનેક લોકોને ફિલ્મ ઉદ્યોગ સાથે સાંકળીને રોજગારીની નવી તકો આપવા સાથે રાજ્યના પ્રવાસનને પણ વેગ આપી રહ્યું છે.
માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે કલાકારોને આવકારતા કહ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોનો વ્યાપ દેશ-વિદેશમાં વધે અને ફિલ્મ નિર્માતાઓને પ્રોત્સાહન મળે તેવા નેક હેતુ સાથે રાજ્ય સરકારે ચલચિત્ર નિર્માણ પ્રોત્સાહન નીતિ ઘડી છે. ફિલ્મ ઉદ્યોગમાં નવા વિચારો, નવી ટેકનોલોજી અને નવા પરિમાણોથી રાજ્યની યુવાશક્તિ પ્રેરિત થઈને આજે ફિલ્મ નિર્માણ જેવા ક્ષેત્રે જોડાઈ રહી છે. ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ ગુજરાતનો વિકાસ અવિરત થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે એવોર્ડ પ્રાપ્ત કરનાર સૌ કલાકાર- કસબીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહમાં સિધ્ધાર્થ રાંદેરિયા, પ્રતિક ગાંધી, જિગરદાન ગઢવી, અભિષેક શાહ, વિપુલ મહેતા, પાર્થિવ ગોહિલ અને સૌમ્ય જોશી સહિતના ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક અને કલાકાર-કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા.