“SEX” આ શબ્દ ગુજરાતી ઘરોમાં જાહેરમાં બોલવામાં આવે તો કોઈ મોટું પાપ કરી નાખ્યું હોય એવો સામેથી પ્રતિકાર આવે અને એવો જ પડઘો જ્યારે કોઈ છોકરી ઘરમાં ફેશન કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેનું કરિયર બનાવવાનું કહે ત્યારે પડે. આજે સમય બદલાયો છે, લાઈફ સ્ટાઈલ બદલાઈ છે પરંતુ ફિલ્મ અને ફેશન ઈન્ડસ્ટ્રી માટે લોકોની માનસિકતામાં હજુ ખાસ ફેરફાર થયો નથી. ગુજરાતી ગ્લેમર વર્લ્ડમાં સ્ત્રીઓ માટે કરીયર બનાવવા માટે સૌથી પહેલો પડકાર તેમનુ પોતાનું ફેમિલી હોય છે. આજે અનેક સફળ મોડલ અને અભિનેત્રીઓને તેના સંઘર્ષ વિશે પુછવામાં આવે છે ત્યારે કહે છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા કે મોડેલિંગ કરવાની પહેલા તો તેમના ઘરમાંથી જ ના હતી. ખૂબ ઓછા ફેમિલી છે જે છોકરીઓને મોડેલિંગ કે એક્ટિંગને પ્રોફેશન તરીકે સ્વિકારી શકે છે. કદાચ કોઈ પરીવાર સપોર્ટ કરે તો પણ સોસાયટી તેમનું જીવવું મુશ્કેલ કરે છે. ટુંકા કપડા પહેરીને કોઈ મોડલ ગુનો કરતી હોય એટલી સુગથી તેની સામે જોવામાં છે. મોડલ છે મતલબ તેનું કોઈ સોશિયલી સ્ટાન્ડર્ડ નહીં હોય એવી વાતો અને ગૉશિપ કરીને પ્રોત્સાહિત કરવાના બદલે બદનામ કરવાનું જ કામ થાય છે. જેના કારણે અનેક સારી આવડત વાળી છોકરીઓ પણ આ ફિલ્ડથી દૂર રહે છે અથવા દૂર થઈ જાય છે.
જો કોઈ છોકરી તેના પરીવાર અને સોસાયટીને સાથે લઈને કે પરવાહ કર્યા વગર ફિલ્મ અને ફેશન ઈન્ડસ્ટ્રીમાં પા પા પગલી ભરવાની કોશિશ કરે તો ત્યા સૌથી પહેલા કાસ્ટીંગ કાઉચનો ભોગ બનવું પડે છે. ગોડફાધર કે ગોડમધર વગર આ ઈન્ડસ્ટ્રીમાં કામ મળવું લગભગ લોઢાના ચણા ચાવવા જેવું છે એવું કહેવામાં પણ અતિશીયોક્તિ નથી. ફિલ્મ અને ફેશન ઈન્ડસ્ટ્રી માટે કહેવાય છે આવડત કરતા કોન્ટેક હોય તો સફળ થઈ શકાય. ગમે તેટલો સારો પોર્ટફોલિયો હશે પરંતુ અનેક પ્રોડકશન હાઉસના પગથિયા ઘસવાની તૈયારી રાખવાની જ. કદાચ કોઈ સ્ત્રી મક્કમ અને મહેનતુ હશે તો તે તેની જગ્યા ધીમે ધીમે ઈન્ડસ્ટ્રીમાં ઉભી કરશે ત્યારે તેની સામે ઈન્ડસ્ટ્રીના ગૃપ પડકાર બનીને સામે ઉભા હશે. હિન્દી અને અન્ય પ્રાદેશિક સિનેમામાં તો ગૃપ જોવા મળતા જ; હવે એ દુષણ ગુજરાતી ફિલ્મ અને ફેશન જગતમાં પણ નડી રહ્યું છે. કોઈ સાથે જોડી બનાવે તો જ સ્ત્રીઓને કામ મળે, કોઈ ગૃપમાં જોડાય તો જ કામ મળે. બીજા ગૃપ વાળા તેને કામ આપે નહીં આવુ પોલિટિકસ અનેક ગર્લ્સના કરિયર બગાડી રહ્યું છે. આવી પરિસ્થિતિથી માનસિક તણાવ ઉભો થાય છે અને તેની સીધી અસર કામ ઉપર પડે એટલે પર્ફોમન્સ બગડે પરિણામે સ્ત્રીઓનું કરિયર ખતમ થવા લાગે છે.
ગુજ્જુ ગર્લને તો ગુજરાતી સિંહણ કહેવામાં આવે છે એટલે તે આ બધા પડકારો ઝીલતી જાય અને આગળ વધે ત્યારે સૌથી મોટો પડકાર હોય છે પૈસાનો. ખૂબ જ મજબૂત સ્ત્રી પણ પૈસા સામે ઝુકી જાય છે. કારણ કે કેટલો સમય તે કોલાબ્રેશન ના નામે મફતમાં કામ કરશે? ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કે ફેશન ઈન્ડસ્ટ્રીમાં નાના મોટા પેજન્ટ શો જીતીને મીસ કે મિસિસ અમદાવાદ કે ગુજરાત જેવા ટાઈટલ જીતે છે, પરંતુ તે ટાઈટલ તેને નામ અપાવે છે. એ નામ પણ થોડા દિવસ પુરતુ જ હોય છે. ટાઈટલથી કામ મળતું નથી અને જો કદાચ કામ મળે તો ફોટોગ્રાફર કે ફેશન ડિઝાઈનર તેને અપ્રોચ કરે છે. ફરીથી ત્યા પૈસા આપવામાં આવતા નથી. કોલોબ્રેશન માટે જ કહેવામાં આવે છે. શરૂઆતમાં મોડલ કોઈ ખિતાબ જીતી હોય, તેની વાહવાહ થતી હોય અને સોશિયલ મીડિયા પર થોડું ફેનફોલોઇંગ હોય તો તેઓ ખુશ થઈને કોલોબ્રેશન શુટ માટે તૈયાર થઈ જાય છે પરંતુ સમય જાય અને વળતર મળે નહીં, કામ મળે નહીં, આવક થાય નહીં એટલે સખત ડિપ્રેશનમાં આવે છે. ડિપ્રેશનના કારણે અણબનાવ પણ બને છે અને એક આવડતસભર સ્ત્રી પોતાનું અસ્તિત્વ શુન્ય કરવા તરફ જાય છે. કોલોબ્રેશન અને કોમ્પ્રોમાઈઝ કરીને એક દિવસ થાકી ગયેલી સ્ત્રી ફેશન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બાય બાય કહે છે પરંતુ આવજો કહ્યાં પછી પણ તેને સમાજમાં પહેલા જેવા માનપાન મળતા નથી. સોશિયલ મીડિયાના કારણે મોડલ અને અભિનેત્રીઓ તેના કામ કરતા માત્ર લૂક ઉપર ધ્યાન આપે છે. ખોટી વાહવાહીમાં આવીને પોતાને અપડેટ કરવાનું પણ ચુકે છે. પરિણામે સમય અને મહેનતનો બગાડ થાય છે. ફિલ્મ અને ફેશન ઈન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓને સફળ થવા માટે અનહદ સંઘર્ષ કરવો પડે છે. આ પડકારોના પહાડોને જે પાર કરે છે તે ગુજરાતી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી ઉપર રાજ કરી શકે છે પરંતુ ત્યાં ટકવું સરળ નથી. કારણ કે આસપાસ બધા જ તમને નીચે ખેંચવા તૈયાર છે.
ધ ફુટેજ ના વુમન સ્પેશિયલ એડીશન દ્વારા એવી દરેક સ્ત્રીઓને સલામ જે આ ફિલ્ડમાં આ બધા જ પડકારોને ફેસ કરીને આગળ વધી રહી છે.