એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આ રિવોલ્યુશનનો સમય છે. આજના સમયમાં દર્શકો પાસે એન્ટરટેઇનમેન્ટનાં અનેક ઓપ્શન અવેલેબલ છે ત્યારે અત્યંત કોમ્પીટિશનમાંથી ફિલ્મ જગત પસાર થઇ રહ્યું છે. ઓટીટી પ્લેટફોર્મનાં આવ્યા બાદ બોલીવુડ ફિલ્મો માટે પણ એક ચેલેન્જ ઉભી થઇ છે, જ્યારે સાઉથ ફિલ્મોનો વધતો જતો ક્રેઝ બોલીવુડ માટે પણ ખુબ મોટો પડકાર બની રહ્યો છે. એવામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેવી રિતે સર્વાઇવ કરી શકે એ મનોમંથનનો વિષય છે. જ્યાં દર્શકો પાસે અનેક ઓપ્શન અવેલેબલ હોય ત્યાં ગુજરાતી સિનેમા માટે જગ્યા કેટલી? જે સમય સાઉથની ફિલ્મો હિન્દી સિનેમા માટે પડકારૂપ બની રહી હોય ત્યાં ગુજરાતી દર્શકો ગુજરાતી ફિલ્મ જોવા શા માટે જશે? આ સવાલનો જવાબ અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પોરસાયા વગર શોધવાનો છે.

ગુજરાતી ઈન્ડસ્ટ્રીમા હાલનાં સમયમાં ઘણી સારી ફિલ્મો બની રહી છે, અવનવા વિષયો સાથે ઘણી સારી ફિલ્મો આવી, પણ એ ફિલ્મો કેટલી ચાલી, પ્રોડ્યુસરનાં પૈસા પાછા આવ્યા કે કેમ, એ કોને ખબર? એક ઉભરો આવે એમ કોઇ ફિલ્મ વખાણવાની શરૂ થાય એટલી જ ઝડપથી એ પડદા પરથી ગાયબ થઈ જાય છે. પ્રેક્ટીકલ બાબત એ છે કે, સર્વાઇવ કરવા માટે રિકવરી અનિવાર્ય છે. અહીં મુખ્ય સવાલ એ પણ છે કે, ગુજરાતી ફિલ્મો જોનાર વર્ગ કેટલો? અને એ જે સંખ્યા છે એમા વધારો કેમ થઈ શકે? શું ગુજરાતી દર્શકો એ ગુજરાતી હોવાનાં કારણે ગુજરાતી ફિલ્મ જોવા જશે!? ‘એવું એની ફરજમાં નથી આવતું’ આ વાત ઇન્ડસ્ટ્રીએ ખાસ સમજવાની જરૂર છે. લોકો એન્ટરટેઇનમેન્ટ માટે ફિલ્મો જોવા જાય છે ફરજ બજાવવા નહીં. રિઝનલ સિનેમાની જ્યારે વાત હોય ત્યારે લોકો એમા પોતાપણું શોધે છે, એમની વાત, એમના પ્રદેશની વાત, પોતાના કલ્ચરની વાત, શું ગુજરાતી સિનેમામાં એ ગુજરાતીપણું મિસિંગ છે? કે પછી હજુ તો ઇન્ડસ્ટ્રી ઉભી થઇ રહી છે, હવે ફિલ્મો સારી બની રહી છે વગેરે, વગેરે જેવા દિલાસાઓમાં મૂળ પ્રશ્ન સૌ કોઇ ચુકી રહ્યા છે? આમ તો પ્રશ્ન ઘણા બધા છે ને તેના ઉત્તર ગુજરાતી સિનેમાનાં બની બેઠેલા ઉધ્ધારકો જાણતા જ હશે. અહીં વાત કોઇને ક્રીટીસાઇઝ કરવાની નથી, અહીં વાત છે કે, આ સમયમાં ગુજરાતી સિનેમા સામે કેવા પડકારો છે અને ઇન્ડસ્ટ્રી ક્યાં પાછી પડી રહી છે. આ બાબત પર ઇન્ડસ્ટ્રી જ્યારે વિચારવાનું શરૂ કરશે ત્યારે આપણું રિઝનલ સિનેમા ફિલ્મ ઉદ્યોગ બની ને ઉભરી આવશે. જેમા એક આખી ટેલેન્ટેડ પેઢીનાં લાખો યુવાનોનાં સપનાઓ અને રોજગાર છુપાયેલા છે.

ફિલ્મ સારી બનાવી પણ દર્શકો સુધી પહોંચાડવી કેમ અને એ દર્શકોને થિયેટર સુધી લાવવા કેમ? હરેક ફિલ્મ માટે આટલી જ બાબત અત્યંત મહત્વની છે. સોશિયલ મિડીયાએ એવી ફેક હવા ક્રીએટ કરી છે જ્યાં વાસ્તિક બાબતો અને વિચારો સાથે કોઇ ખાસ લેવા દેવા હોતા નથી. ફિલ્મનું ટ્રેલર હોય કે, લાખો ફોલોઅર્સ ધરાવતા સોશિયલ મીડિયા સ્ટાર આ બન્ને બાબતો માટે ગ્રાઉન્ડ રિયાલીટી બિલ્કુલ જુદી છે. સલમાનની ફિલ્મ આવે એટલે એમનો ચાહક વર્ગ એમ જ થિયેટર સુધી પહોંચી જાય એવી વાત ગુજરાતી કલાકારો માટે હજુ સપના સેવવા જેવી વાત છે, પણ અશક્ય નથી. આપણે જાણીએ છીએ કે, એક કલાકારનું લોકપ્રિય હોવુ અનિવાર્ય છે. કલાકાર પ્રત્યેનો એ ક્રેઝ હજુ ગુજરાતી સિનેમાનાં કલાકારો માટે જોવા મળતો નથી. એનું એક મુળભુત કારણ એ છે કે, આપના મોટાભાગનાં કલાકારોને પોતાનું પિ.આર. કેમ કરવું એની સમજ જ નથી. મલ્હાર જેવો જાણીતો કલાકાર ફિલ્મ પ્રિમિયરમાં બાઉન્સર સાથે આવે ત્યારે ચોક્કસ તમને નવાઇ લાગે. લોકોનાં દિલોના વસવા લોકોની નજીક જવુ પડે. તમારા ફિલ્મી કિરદારો લોકોનાં દિલો દિમાગ પર બેસી જાય એ અનિવાર્ય છે. આ લોકો પોતાના જીવનની નાની એવી સિધ્ધીઓથી એટલા અજાંય જાય છે જેથી લોકોની નજરમાં નથી આવી શકતા. જ્યાં માત્ર સોશિયલ મીડિયાનાં પ્રભાવની અસર તેમના પર ખુબ જ થઇ હોય એવું બની શકે, કેમ કે, આપણું રિઝનલ કોર મીડિયા આપણા કલાકારોને લાઇમ લાઇટમાં રાખતું નથી અથવા તો એવું કહી શકાય કે આપણા કલાકારોને એ આવડતું નથી. વાત કલાકારોની લોકપ્રિયતાની હોય તો આ સમયે એ સોશિયલ મીડિયા દ્વારા નક્કી કરી લેવામાં આવે છે, એ જ લાખો ફોલોઅર્સ ધરાવતા સ્ટાર તમને કોઇ મોલમાં હજાર લોકોથી ઘેરાયેલા જોવા નથી મળતાં. શું આ વાત આપણા કલાકારો નથી જાણતા? સાથે આ વાત પણ સમજવી કે, ફિલ્મ સિતારાઓ એ કોઇ રસ્તે ચાલતા સામાન્ય વ્યક્તિ નથી હોતા કે તેઓ એટીટ્યુડ ન રાખે, ખુબ મહેનત અને સ્ટ્રગલ પછી તેઓ મોટા પડદા પર પહોંચે છે. પરંતુ એ એટીટ્યુડ ત્યારે સાર્થક ગણાય જ્યારે એ મુકામ હાંસીલ કર્યું હોય. લાખો કરોડો લોકોનાં દિલ પર તમે છવાયેલા હોવ, તમારી હાજરી જ્યાં હોય એ માહોલ તમારા નામની ગુંજ અને ચિચીયારીઓથી ભરાય જતો હોય, ત્યારે ચોક્કસ તમે એ એટીટ્યુડ ના હકદાર છો. અને આ શક્ય છે તમારા કિરદારોથી, આ શક્ય છે જો, તમને ખ્યાલ છે કે, મીડિયા અને પિઆર તમને લોકોનાં દિલ સુધી લઇ જવાનું સૌથી સબળ પાસું છે.

બિજી તરફ ફિલ્મોની વાત પણ કંઇક એવી જ છે, જે ફિલ્મનું ટ્રેલર મિલીયન વ્યુ સુધી પહોંચી ગયું હોય એવી ફિલ્મ એક કે બે વિક સુધી પણ પડદા પર રહેતી નથી. ફિલ્મનાં મોટા બેનર શહેરભરમાં લાગે અને સોશિયલ મીડિયા પર પ્રમોશન થઇ જાય કે પછી વધીને ન્યુઝ પેપર એડ અને એથી વિશેષ આપણી ચેનલો પર થોડું પ્રમોશન.. શું આટલું થયા પછી ફિલ્મનું માર્કેટિંગ કે પિઆર પ્રોપર થયું કહી શકાય? જવાબ છે ના. એનું મુખ્ય કારણ છે કે પબ્લિસિટી અને અસરકારક પબ્લિસિટીમાં ઘણું અંતર છે. માર્કેટીંગ કે પિઆર એ દર્શકોને કમ સે કમ થિયેટર સુધી લાવી શકે એટલું પ્રભાવશાળી તો હોવું જ જોઇએ. પછીનું કામ તમારી ફિલ્મ કરશે. લોકો તમારી ફિલ્મ વિશે ચર્ચા કરે એ અનિવાર્ય છે. થોડા જ સમય પહેલા આવેલી બિગ બજેટ ગુજરાતી ફિલ્મ ‘રાડો’ એનું ઉત્તમ ઉદાહરણ છે. આ ફિલ્મનું પ્રમોશન અન્ય ફિલ્મોની સરખામણીએ વધારે કરવામાં આવ્યું હતું. શહેરમા બેનરો લાગ્યાં, ટેલીવિઝનમાં ટ્રેલર ચલાવવામા આવ્યું સાથે થોડી ન્યુઝ પેપર એડ કરવામાં આવી તેમ છતાં નવા અખતરા સાથેની આ ફિલ્મ અડધુ બજેટ રિકવર કરવામાં પણ નિષ્ફળ રહી. ફિલ્મની બિજી બાજું જોઇએ તો ફિલ્મ સાવ ખરાબ હતી એવું તો તમે ન જ કહી શકો, ફિલ્મનાં અનેક પાસાઓ ખુબ સારા હતા, ફિલ્મની મુખ્ય વાર્તા જેનાં વિશે વાત જ ન થઇ જે મેસેજ ખુબ જ અસરકારક હતો, કલાકારો ખુબ દમદાર હતા, તેમા હિતેન કુમાર હોય કે યશ સોની કે પછી હિતુ કનોડિયા બધાનો અભિનય ગમી જાય એવો હતો, તેમ છતાં ફિલ્મ પિટાઇ ગઇ અને મેકર્સ નિષ્ફળ રહ્યા તેનું મુખ્ય કારણ હતું તેમની માર્કેટીંગ સ્ટાઇલ અને તેમનું પિઆર.

વિચારવા જેવા અનેક સવાલો આ આર્ટિકલમાં છે, અને છેલ્લો વિચાર પણ, જો તમને કોઇ સવાલ થાય તો મને ચોક્કસ પુછી શકો છો. આપનો અભિપ્રાય અમારા માટે અમુલ્ય રહેશે.

એડિટર –  ભુપેન વાળા

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *