ગુજરાતી પ્રાદેશિક ફિલ્મોનો સુવર્ણકાળ કોને યાદ નહીં હોય! આજની પેઢી ગુજરાતી ભાષા પ્રત્યે સભાન નથી એ કડવી વાસ્તવિકતા છે. ગુજરાતી ગીતો માત્ર પ્રફૂલ્લ દવે, ભીખુદાન ગઢવી અને દિવાળીબેન ભીલે જ નહીં, પરંતું જેમને ગુજરાતી બોલતા પણ નહતું આવડતું એવા બોલિવૂડના ગાયકોએ અનેક સુપરહીટ ગુજરાતી ગીતો ગાયાં છે!
જે લોકો હાલમાં ૬૦નો દશકો વટાવી ચૂક્યાં છે એ લોકો ‘હું અમદાવાદનો રીક્ષાવાળો’ ગીત ક્યારેય નહીં ભૂલ્યાં હોય. આ ગીત એ સમયનું સૌથી સુપરહીટ ગીત હતું. ૧૯૭૭માં રીલીઝ થયેલી ફિલ્મ “મા બાપ”નું આ ગીત છે. તેનું સંગીત અવિનાશ વ્યાસે આપ્યું હતું અને બોલિવૂડના મહાન ગાયક કિશોર કુમારના કંઠે ગવાયું હતુ. ૧૯૭૬માં રીલીઝ થયેલી સુપર-ડુપર હીટ ફિલ્મ ‘સંતુ રંગીલી’ ફિલ્મનું લોકપ્રિય ગીત ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’ તો હજીએ વડીલોના હૈયામાં ગૂંજતું રહે છે. આ ગીતના લેખક અને સંગીતકાર અવિનાશ વ્યાસ હતાં અને એ ગીતને કંઠ પણ કિશોર કુમારે આપ્યો હતો. એ સિવાય ૧૯૭૮માં બનેલ ‘મોટા ઘરની વહુ’ ફિલ્મમાં ‘ઓરી આવે તો તને વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી’ એ સમયનું લોકપ્રિય ગીત જે આજે પણ નવરાત્રીમાં ધમાલ મચાવે છે, એ પણ કિશોર કુમારે ગાયું હતુ.
પશ્મિમ બંગાળના ખ્યાતનામ ગાયક મન્ના ડે, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, લતા મંગેશકર, ઉષા મંગેશકર, મુકેશ, મહંમ્મદ રફી જેવા અનેક ગાયકોએ અનેક ગીતોમાં પોતાનો સ્વર આપીને ગુજરાતીઓને ઝૂમતા કરી દીધા હતા. એ સમયના કેટલાય લોકપ્રિય ગીતો હાલમાં પણ નવી પેઢીની જીભ પર લહેરાઈ રહ્યાં છે.
એમાંનું એક ગીત ‘ચરરર ચરરર મારૂ ચકડોળ ચાલે’ ગીત પર આજે પણ નવરાત્રીમાં ઝૂમી ઉઠીએ છીએ. ૧૯૫૬ની ‘મળેલા જીવ’ ફિલ્મનું આ ગીત મન્ના ડે એ ગાયું હતુ અને અવિનાશ વ્યાસે તેને સ્વરાંકિત કર્યું હતુ. ૧૯૮૬માં બનેલી ફિલ્મ ‘સાત કેદી’ નું ‘હુ તૂ તૂ તૂ તૂ તૂ તૂ તૂ જામી રમતની ઋતુ’ ગીત મહેન્દ્ર કપૂર અને મન્ના ડે એ ગાયું હતુ. મુકેશની વાત કરીએ તો તેમણે ઘણા ગુજરાતી ગીતો ગાયાં છે. ‘પંખીડાને આ પીંજરુ જુનુ જુનુ લાગે’ ભજન મૂળ મુકેશના સ્વરમાં છે. ૧૯૬૨માં આવેલી ફિલ્મ કંકુ અને કન્યાનું ‘આવતાં જતાં જરા નજર તો નાંખતા જજો બીજુ તો કાંઈ નહીં, પરંતુ કેમ છો કહેતા જજો’ ગીત અવિનાશ વ્યાસના સંગીત નિર્દેશન હેઠળ મુકેશ અને આશા ભોંસલેની જોડીએ ગાયું હતુ. ‘આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો કહી દો સુરજને કે ઉગે નહીં ઠાલો’ લતા મંગેશકરે ગાયું હતુ.
આવા અનેક લોકપ્રિય સુપરહીટ ગીતો બિન ગુજરાતી બોલિવૂડ ગાયકોની ભેટ છે. ઘણાં લોકોને આ વિશે ખબર નહીં હોય. આપણે ગુજરાતીઓ ગુજરાતી તરીકે આપણી માતૃભાષાને તો પ્રેમ કરતાં શિખીએ! નવી પેઢીને ગુજરાતી ગીતોના ‘કક્કા નો ક’ પણ ખબર નહી હોય! ઇંગલિશ પૉપ અને હિન્દી ગીતોના સંગ્રહની સાથે ગુજરાતી ગીતોનો સંગ્રહ રાખવો પણ એટલો જ જરુરી છે. નહી તો ધીરે ધીરે બધું લુપ્ત થતુ જશે અને ગુજરાતી ભાષા વૈભવ ભૂલાતો જશે.