પચ્ચીસ વર્ષ બાદ પણ આજે ગુજરાતી ઘરમાં ‘દેશરે જોયા દાદા પરદેશ જોયા’ ફિલ્મનું ગીત કે ડાયલોગ સાંભળવા મળે છે. અઢી દાયકા પહેલા જ્યારે લાખ રૂપિયાની ખૂબ મોટી કિંમત હતી ત્યારે એક ગુજરાતી ફિલ્મ કરોડો રૂપિયાનો બિઝનેસ કરી એક નવો જ રેકોર્ડ બનાવે અને દર્શકોના દિલો ઉપર રાજ કરે એવી અનેક રેકોર્ડ સર્જનાર ફિલ્મના હીરો હિતેનકુમાર ફિલ્મના મુર્હુતની મિનિટો પહેલા પણ તેમને આ ફિલ્મમાં હીરો તરીકે નહીં લેવા માટે આજીજી કરી રહ્યાં હતાં. કારણ કે, હિતેનકુમારને નાયક નહીં પરંતુ ખલનાયક બનવું હતું.
હિતેન કુમાર અભિનેતા ના હોત તો આજે એનિમલ ડોક્ટર હોત અથવા કોઈ પણ રીતે એનિમલ સાથે જોડાયેલા હોત. હિતેન કુમાર રોજ નવા પાત્ર ભજવે છે પરંતુ રીયલમાં તેઓ તેના ફેમિલીના હીરો જ છે અને જેવા છે તેવા જ છે. માણસ બનવા સતત પ્રયત્નશીલ એવા હિતેનકુમાર અત્યંત લાગણીશીલ છે અને ક્યારેયક તેનું નકારાત્મક પાસુ સાબિત થવાનું જણાવે છે. આ તમામ વાતો વચ્ચે અભિનયની દુનિયામાં નજીક અને આદર હોય એવું કોણ એવો સવાલ કરાતા એક પળના વિલમ્બ વીના હિતેન કુમારનું કહેવું હતું કે ‘દેવેન્દ્ર પંડિત’. દેવેન્દ્રભાઇએ પરભાષી થઈને પણ ગુજરાતી સિનેમા માટે લોહી રેડ્યુ છે. તેમને ચાળીસ વર્ષ ગુજરાતી સિનેમાને સાક્ષીભાવે આપ્યાછે.
2 ભોજપુરી, 3 હિન્દી અને 114 જેટલી ગુજરાતી ફિલ્મો કરનાર હિતેનકુમારે 27 વર્ષ આ અભિનયની દુનિયામાં રોજ મહેનત અને નિયમિતતાની જે આહુતિ આપી છે તે કોઇ તપશ્ચર્યાથી ઓછી નથી. આ અભિનય તપસ્વીએ આજના યુવાનોને તેની સફર અને સંઘર્ષના અનુભવની વાતોનું ભાથું આપતા ધ ફૂટેજ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘મારી શરુઆત 1996માં સિનેમામાં થયેલી. મુંબઈને કર્મભૂમિ બનાવી સિનેમામાં ખનનાયક બનવાના સપના સેવતો હું વિલન બનવા માટે સિનેમામાં આવ્યો હતો પરંતુ નિયતીએ મને વિલન નહીં હીરો બનાવી દીધો. નાના, પરેશ, નસીર બધા મારા રોલમોડલ હતા અને તેઓ ખૂબ કમાલ કરતા એટલે મને પણ તેના જેવું બનવાનું મન હતું. હું નાયક બનવા માનસિક તૈયાર નહોતો. મહિયરમાં મનડું નથી લાગતું ફિલ્મથી માંડીને અત્યારની ફિલ્મ રાડો સુધીમાં દરેક પાત્રમાં વિવિધતા રહી છે અને એ જ મારી મહેનત છે પરંતુ આજ સુધી મને સંતોષ થયો નથી. કોઈ એક પાત્ર જ ગમી જાય અને તેમા બંધાઈ જવા કરતા સતત પોતાની જાતને સાબિત કરવી અને નવીનતા આપવી એ જ મારો પ્રયત્ન રહ્યો છે. આ 27 વર્ષમાં અનેક ઉતારચડાવ આવ્યા. એક સમય તો એવો હતો કે જ્યારે ગુજરાતી સિનેમામાં એક ફિલ્મ હિટ થયા બાદ બીજી પંદર થી વીસ ફિલ્મો નિષ્ફળ જતી હતી. ત્યારબાદ ગુજરાતી સિનેમામાં કોલેજ કેમ્પસ, થોડી કોમેડી અને ડબલ મિનિંગ વાતો તો જોઈએ જ, આવી માનસિકતા સાથે ફિલ્મો બનવાની શરૂ થઇ. જે પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ક્યાંકને ક્યાંક સંઘર્ષ સમાન સાબિત થયું છે. જ્યારે ગુજરાતી સિનેમા ભયંકર મુશ્કેલીમાં હતી, જ્યારે ગોવિંદભાઈ અને અશોકભાઇ પટેલ લાકડાની તલવારથી લડતા હતા અને તે સમયે મારા માટે મુશ્કેલી વાળો હતો. કારણ કે, ત્યારે છકડાવાળું ગુજરાત મે જોયું અને નવું શીખવાનું તેમજ શીખેલું ભુસવાનું હતું.
હિતેન કુમાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કહે છે કે, ‘આજની પેઢીને માત્ર કોષવી જ યોગ્ય નથી કારણ કે, આ જનરેશન પાસે ટેકનોલોજી છે અને તેમની પાસે એ ટેકનોલોજીને હેન્ડલ કરવાની આવડત પણ છે. બસ ઘટે છે તો ગુજરાતીઓને ઓળખવાની સમજ. કારણ કે આજના ફિલ્મ મેકર્સ મેટ્રોસિટીનું ગુજરાત જાણે છે પરંતુ સાચું ગુજરાત તો મેટ્રોથી દુર ગામડાઓમાં વસે છે. જ્યારે મેકર્સ એ ગુજરાતને ગુજરાતી ફિલ્મોની અંદર લાવશે ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સફળ થતા કોઈ નહીં રોકી શકે. યુવાનોને એ સમજવું પડશે કે તેઓ એ ખર્ચ કરે છે તેનાથી કેટલા પ્રેક્ષકો ટિકિટ ખર્ચીને ફિલ્મ જોવા સુધી પહોંચશે. આજના મેકર્સ પાસે એજ્યુકેશન, ટેકનોલોજી અને પીઆર બધુ છે આથી સાચા ગુજરતને સદેહે ઓળખાય તે હવે ગુજરાતી સિનેમા માટે અનિવાર્ય બની ગયું છે. આજની પેઢી પાસેથી હું શીખ્યો એવી બાબત નોલેજ અને પરફેક્શન છે. તેઓની સાથે કામ કરતા મને સતત અનુભવાયું છે કે, તેઓ તેમનું કામ બરાબર જાણે છે અને જવાબદારી નિભાવે છે.
તાજેતરમાં તેમની રાડો અને ધુંઆધાર જેવી ઘણી ફિલ્મો રિલીઝ થઇ છે, તેઓ આજની નવી પેઢીની ગુજરાતી ફિલ્મો સાથે પણ એટલો જ લગાવ ધરાવે છે અને તેમની સાથે તાલમેલ ધરાવવાની આવડત પણ બખુબી જાણે છે, તમને હિતેન કુમાર પડદા પર જેટલા પસંદ પડે એથીએ વધુ રૂબરુમાં વ્હલા લાગે, તેમને મળીને તેમના ફેન ખરા અર્થમાં તેમના ચાહક બની જાય એટલું સરળ વ્યક્તિત્વ આ ઉમદા સ્ટારનું રહ્યું છે. આવનાર સમયમાં તેમની ઘણી ફિલ્મો આપણને જોવા મળશે. આવનાર પેઢી અને આજની યુવા કલાકારોની પેઢીએ તેમના જીવન અને કલાક્ષેત્રનાં અનુભવોમાંથી ઘણું શિખવા જેવું છે.
અંતમાં ધ ફૂટેજ વિશે વાત કરતા હિતેન કુમાર કહે છે કે, ‘એક સમય હતો જ્યારે આપણે લખેલા રાઇટસઅપ જ છાપામાં છપાતાં હતાં. એક જ પ્રકારનાં પત્રકારત્વમાંથી ફૂટેજ બોલ્ડનેસ સાથે આવ્યું. આજની ગુજરાતી યુવા પેઢીને આકર્ષતુ પેપરનું પત્રકારત્વ એટલે ‘ધ ફૂટેજ’.