ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ફિલ્મ સફળ થાય એટલે બીજી ફિલ્મો એવી જ બનવા લાગે છે જેના કારણે ગુજરાતી ફિલ્મો ઘણીવાર એક જેવી લાગે છે અને દર્શકોને કંટાળાજનક લાગે છે. હવે વિષયો બદલાય રહ્યા છે જે સારી વાત કહેવાય. પંરતુ આવી ઘટનાઓને કારણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ગ્રોથ ખૂબ ધીમો પડી જાય છે. આ ઈન્ડસ્ટ્રીમાં નવા એકટર્સ અને નવા મેકર્સની હજુ પણ જરૂર છે. જ્યાં સુધી દસ પંદર લોકો ફિલ્મ બનાવ્યા રાખશે ત્યારે સુધી સારામાં સારા વિષયમાં પણ નવીનતા નહી મળે કે દર્શકોને આકર્ષિત કરી શકાશે નહીં. બીજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અખતરા કરવાની જરૂર છે સાથે સાથે રાઇટરે તેની વાર્તા ઊંડાણથી લખવાની જરૂર છે, મેકર્સે ફિલ્મને સમજીને તેને ન્યાય આપવાની જરૂર છે અને દરેક ફિલ્મના વિષયવસ્તુ આધારિત ફિલ્મ બનાવવાની જરૂર છે. દરેક લોકો એમ કહે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પા પા પગલી કરે છે તો કેટલા વર્ષ તે પા પા પગલી જ કરે રાખશે? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ક્યારેક તો મેચ્યોર બનવું પડશે. ખરેખર તો અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસેથી સતત અપડેટ થવાનું શીખીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવાની જરૂર છે. આ શબ્દો છે લેખક અને અભિનેતા વૈશાખના.

વૈશાખે પોતાના લેખન સાથે અત્યાર સુધી અનેક ફિલ્મો અને નાટકોમાં કામ કર્યુ છે. જેમા જયેશ ભાઈ જોરદાર, તિખી મીઠી લાઈફ, ગુજરાતી ફિલ્મ રાડો, હિન્દી ફિલ્મ મન્ટો, મુખ્ય અભિનેતા તરીકે વાંઢા વિલાસ અને ગાંધી જેવી હિન્દી ફિલ્મો કરી છે તે સાથે અનેક એડ ફિલ્મો અને સિરીયલ તેમજ વેબસિરીઝમાં તેઓ કામ કરી ચુક્યા છે. આ લિસ્ટ તો ઘણું લાંબુ છે પરંતુ તેમની સંઘર્ષ ગાથા હજુ ચાલું છે. 

વૈશાખએ ‘ ધ ફૂટેજ ‘ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ આ ક્ષેત્રમાં છેલ્લા પંદર વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે છતાંય તેને મળવું જોઈએ એવું પાત્ર નથી મળ્યું અથવા તેને એવા મેકર્સની રાહ છે જે વૈશાખને લોકોના દિલ દિમાગમાં વસાવી દે એવો અભિનય કરાવી શકે. એમ.એ. એમ.એડ કરી ચૂકેલા વૈશાખ એક સારા શિક્ષક પણ રહી ચુક્યા છે. જો કે હવે તેનું સંપૂર્ણ ધ્યાન લેખન અને અભિનયમાં છે. અતિશય વાંચન પ્રિય વૈશાખનું લેખક તરીકેનું પહેલું પુસ્તક  ‘ બુદ્ધન કે ગીત ‘ લોકો સમક્ષ તેર વર્ષ પહેલાં રજૂ કરાયું હતું. ત્યાર બાદ ‘ સરનેમ ‘ ટાઈટલથી પુસ્તક લખ્યું અને ત્યારથી અનેક ડ્રામા તેમજ ફિલ્મો લખવાની શરૂઆત કરી જે આજ સુધી સતત ચાલી રહી છે. આ દરમિયાન લેખક સાથે સાથે વૈશાખના એક્ટિંગ કરિયરની શરૂઆત થઈ ચૂકી હતી. જ્યારે લેખન, ડ્રામા અને ફિલ્મોમાં એક્ટિંગની શરૂઆત કરી ત્યારે જે વૈશાખને લખવા કે અભિનય શીખવા માટે કોનો સંપર્ક કરવો, પોતે લખેલી વાર્તા કોને આપવી અને કેવી રીતે ફિલ્મો બનાવવી તે કશી સમજ નહોતી પડતી તે વૈશાખ આટલા વર્ષમાં સતત પ્રયત્નથી હવે ગુજરાતી અને હિન્દી ફિલ્મો સુધી પહોંચી શક્યા છે. જો કે હજુ તેમને ખુબ કામ કરવું છે અને સફળ થવાનું બાકી છે.

‘ ધ ફૂટેજ ‘ સાથે ફિલ્મ ‘કરસનદાસ પે એન્ડ યુઝ ‘ વિશે વાત કરતાં અને સિક્રેટ શેર કરતા જણાવ્યું હતું કે, કરસનદાસ પે એન્ડ યુઝ ફિલ્મ મારા માટે દુઃખદ ઘટના હતી. તે માત્ર મારા કરિયર માટેનો અનુભવ નહિ પરંતુ જીવનની શીખ બની છે. આ ફિલ્મમાં મને રોલ મળ્યો ત્યારે તેમાં હું એક નેતાનો રોલ કરતો હતો. કરસનદાસ કોણ હતો તેની પાછળની એક સ્ટોરી છે, કરસનદાસ એક નેતા હતા. તેને સમાજ માટે ખૂબ સારું કામ કરવું હતું. એક ભાષણ દરમિયાન તેને ટોઇલેટની જગ્યા નથી મળતી અને તે એક સ્થળે ઊભા રહે છે ત્યારે પત્રકાર તેનો ફોટો પાડી લે છે અને છાપી દે છે. ત્યારે નેતા કરસનદાસને ખોટું લાગે છે, તેનું અપમાન લાગે છે અને તે અપમાન સહન કરી શકતા નથી. આત્મહત્યા કરી લે છે. ત્યારે તેના પિતા તેના નામ પર એક ટોઇલેટ બનાવે છે. આવી એક આખી બેક સ્ટોરી હતી. જેમાં મે અભિનય કર્યો હતો તે સ્ટોરી જ એડિટ વખતે ડિલીટ કરી દેવામા આવી હતી. શૂટ અને ડબિંગ થઈ ગયા બાદ આ સ્ટોરી કાઢી નાખવામાં આવી હતી. એક તરફ મારા મનમાં એમ હતું કે આ ફિલ્મથી મને ભવ્ય સફળતા અને લોકચાહના મળશે અને ત્યારે જ મારા ફૂટેજ ડિલીટ કરી દેવાયા હતા. એક કલાકાર માટે આ કેવી ઘટના હોય એ દર્શકો સમજી શકે છે.

જ્યારે વૈશાખને પૂછાયું કે આ આટલા વર્ષના અનુભવ બાદ તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શું મેસેજ આપશો ત્યારે વૈશાખએ જાણવું હતું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મારાથી ઘણી મોટી છે એટલે તેને હું કોઈ મેસેજ આપી શકું નહી પરંતુ એવી ઈચ્છા રાખું કે નવા લોકોને તક મળે અને અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવું કામ ગુજરાતીમાં પણ થાય. ‘ધ ફૂટેજ ‘ માટે વૈશાખે શુભેચ્છા આપતા કહ્યું હતું કે, ‘ધ ફૂટેજ ‘ નવા ચહેરાઓને, ઓછા જાણીતા ચહેરાઓને તક આપે છે. ઉપરાંત સંઘર્ષકર્તાની ઓછી જાણીતી અને સાચી વાતો લોકો સુધી પહોંચી રહ્યા છો જેથી તેમને ભાવનાત્મક રીતે સારો સપોર્ટ મળે છે. ધ ફૂટેજ હંમેશા આ કાર્ય આમ જ કરતું રહે તેવી શુભેચ્છાઓ  પાઠવું છું.

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *