પ્રેમની તાકાત અને યથાર્થ, નિરંતર કર્મ કોને કહેવાય તેની સમજ આપનાર, ઉત્તમ ઉદાહરણ પુરુ પાડનાર બેલડી એટલે મહેશ અને નરેશની જોડી. સંબંધમાં બંને ભાઈઓ પરંતુ બે શરીર અને એક આત્માનું ઉદાહરણ એટલે મહેશ નરેશની જુગલબંધી. માત્ર બે ભાઈઓ જ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મ, સંગીત અને રાજકારણ ક્ષેત્રમાં કનોડિયા પરિવારનું જે પ્રદાન છે એ જ અવર્ણિય, પ્રેરણાત્મક અને તેમને અમરત્વ પ્રદાન કરનાર છે. ઈશ્વરમાં શ્રધ્ધા ખરી પરંતુ સખત પરિશ્રમને મહેશ-નરેશ પોતનો જીવનમંત્ર બનાવીને એક ક્યારેય રીપિટ ના થઈ શકે એવો ઈતિહાસ રચ્યો. જીવતા બંને ભાઈઓએ ખૂબ પરિશ્રમ કરીને પોતાનું એક આગવું સ્થાન લોકોના હ્રદયમાં બનાવ્યું પરંતુ મરણ બાદ પણ પદ્મશ્રી એવોર્ડને શોભે એવું જીવી ગયા. આગામી 9 તારીખે એક ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે, જે ભૂતકાળમાં ક્યારેય બન્યું નથી અને ભવિષ્યમાં બનશે કે કેમ તે કહી શકાય નહીં પરંતુ દરેક ગુજરાતી પરિવાર માટે એક ગર્વ લેવા જેવી ક્ષણ હશે. જ્યારે નરેશ અને મહેશ કનોડિયાને પર્દ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ પળ કનોડિયા પરિવાર સાથે ગુજરાતી કલાજગત માટે અણમોલ અને અવિરત બનીને રહેશે.
વર્ષો સુધી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એકચક્રી શાસન ભોગવનાર, ગુજરાતી પ્રજાનાં લોકપ્રિય હીરો અને ગુજરાતી ફિલ્મોનાં સુપરસ્ટાર નરેશ અને સંગીતની દુનિયાના એક સુર મહેશ કનોડિયાના નામે રામ- લક્ષ્મણ એવોર્ડ હતો એવા આ બંને ભાઇઓ વારાફરતી એક સાથે જ એક વર્ષ પહેલા આ દુનિયા છોડીને ચાલ્યાં ગયા. વર્ષ ૨૦૨૦ની ૨૫ અને ૨૭ ઓક્ટોબરની સવાર પણ ગુજરાતી સંગીત ક્ષેત્રમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર લઈને આવી હતી. ગુજરાતી ફિલ્મ જગતનાં વધુ બે સિતારા ખર્યા હતાં. ગુજરાતનાં મશહૂર અભિનેતા નરેશ કનોડિયા અને એમનાં મોટાભાઈ, ગુજરાતી ફિલ્મનાં ઉમદા સંગીતકાર અને પાટણનાં પૂર્વ લોકસભા સાંસદ મહેશ કનોડિયા ચિર વિદાય પામ્યા હતા. તેઓ અનેક ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપી ચૂક્યા છે અને ફિલ્મોમાંથી નિવૃત્તિ બાદ મહેશ કનોડિયા રાજકારણમાં સક્રિય થયાં હતા. પાટણની બેઠક પરથી ભાજપ તરફથી ત્રણ વાર ચૂંટણી જીતીને સાંસદ બન્યા હતાં.
મહેશ-નરેશે પણ પોતાના ગામ કનોડા પરથી કનોડિયા અટક રાખી હતી. મહેશ કનોડિયાનાં ભાઈ નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી. તેઓ મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે મ્યૂઝિકલ પ્રોગ્રામ કરતાં હતા. જેમાં તેઓ નાનાં પ્રોગ્રામ આપતા હતાં. ગામેગામ પ્રોગ્રામ આપવાના શરૂ કર્યાં. તેઓ સ્ત્રીઓનાં અવાજમાં પણ ગાતાં હતાં અને તેમની આ આવડત પોપ્યુલર બની ગઈ. જેથી તેમના પ્રોગ્રામ સફળ થવાં લાગ્યાં. મહેશ કુમાર એન્ડ પાર્ટીનાં શો હોય ત્યારે નરેશ કનોડિયા એન્કરિંગ કરતાં, ડાન્સ કરતાં, ગીતો ગાતાં. ભાઈ નરેશ કનોડિયાને પણ ગુજરાતી ફિલ્મોમાં લાવવા પાછળ મહેશ કનોડિયાનો મોટો રોલ છે. મુંબઈમાં આયોજિત આવા જ એક શોમાં પ્રોડ્યુસર મફતલાલ શાહ અને ડિરેક્ટર મનુકાંત પટેલ આવેલા અને તેમણે નરેશ ભાઈને સ્ટેજ પર જોયા અને પ્રોગ્રામ પછી તેમણે મહેશભાઈને કહ્યું કે, અમે એક ફિલ્મ બનાવી રહ્યા છે. અમારી ઈચ્છા છે કે તેમાં નરેશ કનોડિયા એક્ટિંગ કરે અને મહેશ કનોડિયા સંગીત આપે અને આ ફિલ્મ હતી ‘વેણીને આવ્યા ફૂલ’. ૮૦નાં દાયકામાં ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપવાનું શરૂ કર્યું હતું. તેમની ‘વણઝારી વાવ’, ‘તમે રે ચંપો અને અમે કેળ’, ‘મેરુ માલણ’, ‘જોગસંજોગ’, ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ જેવી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મોમાં તેઓએ સંગીત આપ્યું છે. પહેલાં લોકગીત આધારિત સંગીત હતું અને તેને વધુ આધુનિક બનાવવામાં એમનો ખુબ મોટો ફાળો છે. તેઓ સ્ત્રી તથા પુરુષનાં એમ બંનેના અવાજમાં ગીતો ગાવા માટે પ્રખ્યાત હતાં. તેઓ જુદાજુદા ગાયકોનાં જેમ કે, લતાજી, રફીસાહેબ, વગેરે ૩૨ કલાકારોનાં અવાજમાં ગીતો ગાવા માટે પણ મશહૂર હતાં.
આવી અનેક વાતોને વાગોળવાની સાથે મહેશજીના પત્ની ઉમાબેન અને નરેશજીના પત્ની રતનબેનને યાદ કરવાનું કેમ ભૂલાય. ઘર પરિવારને સાચવવાની,છોકરાઓને ભણાવવવાની અને સંસ્કાર આપવાની તેમની આવડત અને બંને ભાઈઓ બહાર હોય, કામમાં હોય ત્યારે સામાજિક જવાબદારી નિભાવવાની તેમના કુનેહથી જ મહેશ-નરેશ આ ઇતિહાસ રચી શક્યા એમ કહેવું ભૂલ ભરેલું નહીં પરંતુ બંને સ્ત્રીઓનું સન્માન ગણાશે. તેમનો ત્યાગ અને સ્નેહ સભર સમર્પણ આજે મહેશ-નરેશને મરણોત્તર સન્માન રૂપે મળી રહ્યાં છે. ‘ધ ફુટેજ’ તરફથી મહેશ-નરેશની જોડીને શાબ્દિક શ્રધ્ધાંજલિ અને હ્રદયાજંલિ સાથે સાથે કનોડિયા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.