નેહા રેડ્ડી મૂળે દક્ષિણ ભારતના છે, પણ તેમના પિતા આર્મી ઓફિસર હોવાને લીધે ભારતમાં ઘણી જગ્યાએ તેમને ફરવાનું રહ્યું અને એના ભાગ રૂપે નેહા રેડ્ડીનો જન્મ હિમાચલ પ્રદેશમાં થયો. અને પછી એમનું પ્રારંભિક શિક્ષણ પણ ત્યાંની આર્મી સ્કૂલમાં થયું. અને ત્યારબાદ તેમના દાદા દાદી કે જેઓ મૂળ ચેન્નાઈના પણ વર્ષોથી અમદાવાદમાં વસેલા હોવાથી તેઓનો પરિવાર પણ અમદાવાદમાં જ સ્થાયી થયો. એટ્લે આપણા નેહા રેડ્ડી આમ તો પાકા અમદાવાદી ગણાય. એમનું બાકીનું બધુ જ શિક્ષણ અમદાવાદમા જ થયું છે અને તેમને અમદાવાદની જ એચ. કે. કોલેજમાંથી પોતાની કોમર્સની ડિગ્રી લીધેલી છે.
પિતાની ઈચ્છા તેમને આઈ.પી.એસ. ઓફિસર બનાવવાની હતી અને એ સિવાય બેન્કિંગ સેક્ટરમાં તેઓ દીકરીનું ભવિષ્ય જોતાં હતા. આ માટે નેહાએ પપ્પાને ખુશ રાખવા કેટલીક સરકારી પરીક્ષાઓ પણ આપી. પણ આ બધુ છ મહિનાથી વધુ ચાલ્યું નહીં અને એક દિવસ અચાનક 2018માં નેહાએ મિસ ગુજરાતની સ્પર્ધામાં ઝંપ લાવી દીધો અને પરિણામ તેઓ તેમાં ફર્સ્ટ રનર અપ બન્યા. બીજી તરફ તેમણે ફેશન ઈન્ડસ્ટ્રીમાં જવા પણ વિચાર્યું. પણ નસીબ એમને ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ લઈ ગયું અને કેટલાક ઓડિશન આપ્યા અને સફળતા તેમના કદમ ચૂમવા લાગી. જો કે તેમના પપ્પાને આ બાબતે તેમણે તૈયાર કરવા ખાસ્સી મહેનત કરવી પડી હતી.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમને ધીમે ધીમે રેફરન્સ ઉપર કામ મળવા લાગ્યું અને જેમાં એમને ગુજરાતી ફિલ્મ ‘વાંઢા વિલાસ’માં પહેલો બ્રેક મળ્યો. જેમાં સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકે તેમણે કામ કર્યું. એમાં તેમણે જીવનમાં પહેલી વાર કેમેરાને ફેસ કર્યો.
ત્યારબાદ તો નામ અને રેફરન્સ વધતાં ગયા અને 2018માં ‘મિત્રો’ ફિલ્મમાં ‘બીજલ’ તો એ જ વર્ષે ‘શું થયું’ ફિલ્મમાં એક્ટર મલ્હારની બહેન ‘જીગ્લી’નો રોલ મળ્યો. આજ સમય દરમ્યાન 2019માં ‘સાહેબ’માં તેમણે ન્યૂઝ એન્કરનો રોલ મળ્યો. જે ફૂલ લેન્થ રોલ હતો. તો એ જ વર્ષે ‘ઓર્ડર, ઓર્ડર…આઉટ ઓફ ઓર્ડર’માં તેમણે ‘નૈના’ નામનો રોલ કર્યો. ‘પ્રેમમાં પંકચર’ ફિલ્મમાં પણ તેમણે અભિનય કરેલો છે.
આ ફિલ્મી સફર દરમ્યાન તેમણે કેટલાક આલ્બમ સોંગ્સ પણ કર્યા, જેમાં શ્રદ્ધા ડાંગર, ધ્રુવલ પટેલ, ભાવિક ભોજક, સુમિત ખનવાવી જેવા લોકો સાથે કામ કર્યું. જેમાં ગુજરાતી આરતી, ગરબા, હિન્દી અને પંજાબી ગીતોમાં તેમણે અભિનય કર્યો છે. તો બીજી તરફ તેમણે ભૂતકાળમાં ‘લવયાત્રી’ માટે આપેલ ઓડિશનના બેઝ પર જ તેમને ‘મેડ ઇન ચાઈના’ જેવી હિન્દી ફિલ્મ પણ મળી. અને હવે તો ટૂંક જ સમયમાં નેહા દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ આવે તો નવાઈ નહીં!
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિષે નેહાનું માનવું છે કે અહીં બધા બહુ સારા લોકો છે અને હળીમળીને રહે છે. ને બીજી તરફ ધ ફૂટેજનો પણ તેમણે આભાર માન્યો કે તેમના જેવા કલાકારને અહીં આ માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચવાનો અને પોતાની વાત કરવાનો મોકો મળ્યો છે.