મૂળ રાજસ્થાની નિકીતાએ ગુજરાતને પોતાનું બનાવી ગુજરાતી સિનેમાથી શરૂઆત કરીને બોલિવુડ સુધીની સફર ખેડી છે. આ ગુજ્જુ ગર્લ નિકીતા સોનીએ ‘ ધ ફૂટેજ ‘ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ મારો પરિવાર છેલ્લા ૪૦ વર્ષથી ગુજરાતમાં શિફ્ટ થઈ ગયો હતો એટલે હું નાનપણની ગુજરાતમાં જ રહીને ઉછરી છું. હું ખૂબ દેખાવડી હતી એટલે મારા પપ્પાને કોઈએ કહ્યું હતું કે નિકીતાને એક્ટિંગ કરાવો. મારા પપ્પાની ઇચ્છા અને સપોર્ટના કારણે હું આ સફળતાને પ્રાપ્ત કરી શકી છું. શરૂઆતમાં તો મારા પપ્પા શુટિંગ પર મારી સાથે આવતા અને તેમને પણ મને એક્ટિંગ શીખવી છે અને કેટલાક લોકો પાસે પણ અભિનય શીખવા મોકલી હતી. શરૂઆતમાં ગુજરાતમાં સૌથી મોટી બાબત મારી સામે એ રહી છે કે અભિનય શીખવવાના નામે ઘણા લોકોએ મારી પાસેથી પૈસા લીધા છે અને ફી લઈને ગાયબ થઈ ગયા છે. જો કે ધીમે ધીમે હું ઇન્ડસ્ટ્રીને સમજવા લાગી અને એક પછી એક ફિલ્મો કરતી રહી. ગુજરાતમાં તેમણે ખુબ કામ કર્યુ છે અને હજુ પણ કરવા ઇચ્છે છે. તેઓ કહે છે કે, ગુજરાતી સિનેમામાં શરૂઆત કરી ત્યારે ફિલ્મોનો ગ્રાફ એટલો વિશાળ નહોતો, પ્રાદેશિક ભાષાની ફિલ્મોની એક મર્યાદા હોય છે જે, એક પ્રદેશ પુરતી સિમીત રહી જાય છે. ગુજરાતી ફિલ્મો હવે ગુજરાતની બહાર રિલિઝ થવા લાગી છે જે ખુબ આનંદની વાત છે.

આગળ તેઓ જણાવે છે કે, છેલ્લા છ સાત વર્ષથી મુંબઈમાં શિફ્ટ થઈ ગઈ છું અને બોલીવુડની ફિલ્મો કરું છું પરંતુ ગુજરાતી ફિલ્મો કરવાની ઈચ્છા હજુ પણ છે. આજકાલ જે રીતે ગુજરાતી ફિલ્મો બની રહી છે જે મને આકર્ષે છે અને ગુજરાતી ફિલ્મોનો સુવર્ણકાળ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. પહેલા એક ઢબની ફિલ્મો હતી પરંતુ હવે નવા વિષયો અને નવી મેકિંગ સ્ટાઇલ સાથે ગુજરાતી ફિલ્મો બનવા લાગી છે. રાજસ્થાની હોવાથી ગુજરાતી ફિલ્મોમાં કે હિન્દી ફિલ્મોમાં ક્યારે ભાષાનું કે પ્રદેશનું બેરિયર મને નડ્યું નથી ઉલટાનું મેં વધારે કામ કર્યું છે. જેને કામ કરવું છે તેમના માટે અહીં અઢળક તકો છે.

હું એક એવા પરિવારમાંથી આવું છું જ્યાં સ્ત્રીઓએ ઘૂંઘટ કાઢીને ધીમા અવાજે બોલવાનું હોય છે. મારા પપ્પાના કારણે હું આ બંધનો તોડીને કશું નવું કરી શકીશું અને આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ બોલીવુડમાં સફળતા મેળવી રહી છું. છેલ્લા ૧૪ વર્ષથી અનેક આલ્બમ સોંગ અને ફિલ્મો કર્યા બાદ હવે મને સારી નવી ગુજરાતી ફિલ્મમાં પણ કામ કરવું છે. ગુજરાતી સીરીયલોમાં પણ મેં ઘણા પાત્રો નિભાવ્યા છે અને તાજેતરમાં જ મને સ્મૃતિ ઈરાની, વિદ્યા બાલનના હસ્તે વુમન અચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે જે મારા માટે અત્યંત ખુશીની ક્ષણ રહી છે. છેલ્લા પાંચ છ વર્ષથી હું હિન્દી ફિલ્મો કરી રહી છું બોલીવુડમાં કામ કરી રહી છું પરંતુ મેં ક્યારેય અનુભવ્યું નથી કે હું ગુજરાતી છું તો મને એ બાબત ક્યાંય નડી હોય, મને ગુજરાતી હોવાનો ગર્વ છે. બોલીવુડમાં પણ મેં ક્યારેય એવો અનુભવ નથી કર્યો કે મારી સાથે કોઈ ભેદભાવ કરવામાં આવ્યો હોય. અત્યાર સુધીનો મારો એવો અનુભવ રહ્યો છે કે બોલીવુડમાં માત્ર કામ અને પર્ફોર્મન્સ ના આધારે જ તમને સફળતા મળે છે. હા! ચોક્કસપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની પદ્ધતિમાં ઘણો ફેરફાર છે. હું સતત કામ કરતી રહીશ કારણ કે અભિનય કરવો મને ખૂબ ગમે છે. છેલ્લે છેલ્લે ‘ ધ ફૂટેજ’ ને વિશેષ થેન્ક્યુ કહેવાનું કારણ કે અહીં મને મારી વાત મારા દર્શકો અને ફેન્સ સુધી પહોંચાડવાની તક મળી છે. તેઓ પોતાને પ્રેમ કરતા અને સપોર્ટ કરતા ફેંન્સનો ખુબ આભાર માને છે.

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *