પ્રાચી ઠાકરે જુનિયર એનટીઆરના ભાઈ સાથે કામ કર્યું છે. એ ફિલ્મ માટે આઈફા એવૉર્ડમાં નોમિનેશન પણ મળ્યુ. પ્રાચીની સાયલન્સ મેલોડી નામની શૉર્ટ ફિલ્મને ખૂબ જ સરાહના મળી. તેમણે ધ ફૂટેજ મેગેઝિન સાથે પોતાના કરિયર તથા શોખ વિશે વિસ્તારથી વાત કરી છે.

જેનો જન્મ અમદાવાદમાં પ્રાથમિક શિક્ષણ પણ અમદાવાદમાં અને કોલેજ પણ અમદાવાદમાં અને તેલુગુ ફિલ્મોમાં અભિનય સાંભળીને નવાઈ લાગી ને! જી હા, આવો ચમત્કાર કરનારી અમદાવાદી ગર્લ છે પ્રાચી ઠાકર.

જે.જી કોમર્સ કોલેજમાં મોડેલિંગની સ્પર્ધાઓમાં પોતાના શોખ પૂરા કરવા માટે ભાગ લેતી પ્રાચીને ડિઝાઈનર બનવાનો વિચાર આવ્યો.  પોતાના આ વિચારને પૂરો કરવા તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઈનિંગમાં પ્રવેશ લેવાનું નક્કી કર્યું. પ્રવેશ પરીક્ષા બાદ તેને પ્રવેશ મળ્યો નિફ્ટની હૈદરાબાદ શાખામાં.

નવું શહેર હતું, નવા લોકો હતા પણ ગુજરાતી જેનું નામ પ્રાચી બહુ સહજતાથી ત્યાં ગોઠવાઈ ગઈ. પ્રાચીએ અહીં પણ પોતાના સિનિયર જે કપડાંની ડિઝાઈન કરતા તેનું મોડેલિંગ કરવાનું ચાલુ કર્યું. હૈદરાબાદના સ્થાનિક મિત્રોની મદદથી પ્રાચીને એક શોર્ટ ફિલ્મમાં કામ કરવાની ઓફર મળી. આ શોર્ટ ફિલ્મ હતી ‘સાયલન્ટ મેલોડી’ આ શોર્ટ ફિલ્મ સોશિયલ મીડીયામાં ખૂબ જ વાઈરલ થઈ. અધધધ કહી શકાય તેવા 10 મિલિયન વ્યુઅર્સ આ ફિલ્મને મળ્યા. આ ફિલ્મ જે ચેનલ પર સ્ટ્રીમ થઈ તેનો માલિક હતા સંદીપ કિશન. તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતા એવા સંદીપ કિશનના ધ્યાનમાં પ્રાચી આવતા તેને એક તેલુગુ મુવી કરવાની તક આપી. આમ પ્રાચીનો દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ થયો.

એક તેલુગુ મુવી કર્યા બાદ પ્રાચી ખૂબ જ ઉત્સાહીત હતી, ત્યાં જ તેને જાણીતા દિગ્દર્શક અનિલ રવિપુરીની ફિલ્મ ‘પટાશ’ માં કામ માટે ઓફર મળી. પ્રાચીએ આ ઓફર પણ સ્વીકારી લીધી કારણ કે ફિલ્મના લીડ હીરો કલ્યાણ કે જે જુનિયર એનટીઆરના ભાઈ છે તેમની બહેનના રોલમાં પ્રાચીને કામ કરવાની તક મળી હતી.  બહેરી અને મૂંગી છોકરીના આ પાત્રમાં કામ કરવું ખૂબ અઘરું હતું. પરંતુ પ્રાચી હિંમત ન હારી અને  તેણે સખત મહેનતથી આ રોલ ભજવ્યો. પરિણામે તે વર્ષના આઈફા ઉત્સવમમાં પ્રાચીના  આ પાત્રને નોમિનેશન પણ મળ્યું. આ હતું પ્રાચીની સખત મહેનતનું પરિણામ.

દક્ષિણમાં અનેક શોર્ટ ફિલ્મો કર્યા બાદ કોલેજ પૂર્ણ થતા પ્રાચી વતન અમદાવાદ પરત ફરી. અહીં આવીને તેણે નોકરી કરવાનું ચાલુ કર્યું, પરંતુ એક વાર અભિનયનો કીડો જેના મનમાં સળવળે તેને નોકરી ગમે ખરી?! અંતે નોકરી છોડી પ્રાચી અભિનય તરફ પાછી વળી. અનેક સંઘર્ષ અને ઓડિશન બાદ તેને તેની પહેલી ગુજરાતી ફિલ્મ મળી  ‘પ્રેમમાં પંચર’. એક હલકીફુલકી કોમેડી ફિલ્મ એવી પ્રેમમાં પંચર કરીને પ્રાચીને ખૂબ જ મઝા આવી.

દક્ષિણની ઇન્ડસ્ટ્રીમાં અને અહીંની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આસમાન જમીનનો ફર્ક હોવા છતાં પ્રાચી પોતાની જાતને સંતુલિત કરવામાં સફળ સાબિત થઈ છે. પોતાના ધ્યેય મનમાં જ રાખીને ચાલતી આ છોકરીને પોતાના પહેલા પ્રેમ એવા ડિઝાઈનિંગમાં પણ કંઈક અનોખું કરવું છે તો તેલુગુ મુવીમાં પણ તે કમબેક કરવાની ઈચ્છા ધરાવે છે.

‘અંતરીક્ષ’ નામના આલ્બમમાં કામ કરી ચુકેલી પ્રાચીને તેના પરિવારનો ભરપૂર પ્રેમ અને સાથ મળ્યો જે તેની તાકાત છે. તેલુગુ અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સરખામણી ન કરતા પ્રાચી આ બંનેને અલગ અને બંનેને સરખુ મહત્વ આપે છે. અભિનયના દરેક ફોર્મેટમાં કામ કરવાની ઈચ્છા ધરાવતી પ્રાચી દર્શકોને ‘ફૂટેજ’ મેગેઝીનના માધ્યમથી અપીલ કરતા જણાવે છે સિનેમા અને દર્શકો એક સિક્કાની બે બાજુ છે માટે ગુજરાતી દર્શકો ગુજરાતી ફિલ્મોને જોવા માટે થિયેટર સુધી પહોંચશે તો ચોક્કસ આ ઇન્ડસ્ટ્રીમાં પણ ફિલ્મોને ભારે સફળતા મળશે. તેમની આગામી ગુજરાતી ફિલ્મ છે ‘રાડો’ જે દિવાળી પર રિલીઝ થવાની છે.

‘ફૂટેજ’ ને ગુજરાતી સિનેમા માટે એક નાવીન્યપૂર્ણ સાહસ ગણાવતી પ્રાચી આ મેગેઝીનને ખૂબ જ જરૂરી ગણાવવાની સાથે મહત્વપૂર્ણ માને છે. ગુજરાતી સીનેજગતની તમામ બાબતોને સાંકળી લેતું આ એકમાત્ર મેગેઝીન હોવાની વાત કરતા પ્રાચી ગુજરાતના સૌ દર્શકમિત્રોનો આભાર વ્યક્ત કરે છે.

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *