તાજેતરમા આવેલી ફિલ્મ ‘વર પધરાવો સાવધાન’ માં રાગી જાનીના અભિનયના ખુબ વખાણ થઇ રહયા છે. ફરી એકવાર તેમણે સાબિત કર્યુ કે, તેઓ અભિનયમાં મહારથ હાસિંલ કરી ચુક્યા છે. દર્શકોને જકડી રાખવાનું સામર્થ્ય તેઓ ધરાવે છે અને હમેશા તેમના પાત્રો ઓડિયન્સ એક છાપ છોડી જાય છે. આવો વધુ જાણિએ તેમની સિનેમાની સફર કેવી રહી !?
થોડા સમય પહેલા આવેલી વેબસિરીઝ વિઠ્ઠલતીડીમાં પ્રતિકગાંધીનાં પિતા તભા ગોરનાં પાત્રમાં આપ સૌએ તેમનાં અભિનયની ક્ષમતાને જોય જ હશે. રાગી જાની મુળ સૌરાષ્ટ્રનાં વતની બાળપણ અને ભણતર અમદાવાદમાં વિત્યું છે. તેમનાં પિતાશ્રી વિનોદ જાની ખુબ પ્રસિધ્ધ નાટ્યકાર હતા. એટલે સમજણ આવી ત્યારથી રંગમચની સમજ તેમનામાં આવી ગઇ હતી. બાળપણથી જ અનેક મહાનુભાવો સાથે સતત રહેવાનું થયું એ જ માહોલમાં મોટા થયાં એટલે સ્વાભાવીક તેમનામાં કલાની સમજ કેળવાય હતી.
તેઓ કહે છે હું ભણવામાં ખુબ નબળો હતો. પણ કેમેય કરી તેઓએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. પણ ભણતર નબળુ હોવાથી અને રંગભુમીમાં મોટા થયા એટલે અભિનય ક્ષેત્રમાં જ પોતાએ આગળ વધવુ તેવો નિર્ણય કર્યો. ખુબ નાની વયે એટલે કે માત્ર દસ વર્ષની ઉમરે તેમણે નાટકોમાં અભિનય કરવાની શરૂઆત કરી હતી. જે સફર આજે ત્રણ દાયકાઓ સુધી પણ ચાલું જ છે. જે સમયે ટેલીવિઝન પણ નહોતા એ સમયથી તેઓ અભિનય કરી રહ્યા છે, તેમણે અત્યાર સુધીમાં અનેક નાટકો અને સિરીયલોમાં અભિનય કર્યો છે તેમજ લગભગ પચાસેક જેટલી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
પોતાના નાટ્યજગતની યાદગાર પળ માટે તેઓ કહે છે કે, ‘પ્રિત પિયુ અને પાનેતર’ તેમના જિવનને બદલી નાખનારું નાટક હતું. આ નાટકનાં અત્યાર સુધીમા બાર હજારથી વધારે શો ભજવાયા છે જે માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમા તેમના શો થયા છે. તેઓ કહે છે કે, આ નાટકએ મને ખુબ મોટી ઓળખ આપી છે. લોકોમાં ઓળખ ઉભી કરવામાં ટેલીવિઝન સિરિયલોનો ખુબ મોટો ફાળો રહ્યો છે. ટેલિવિઝનથી હું લોકોનાં ઘર અને દિલ સુધી પહોંચ્યો છું. અત્યાર સુધીમાં અનેક કિરદારો તેમણે ભજવ્યા છે જેમાં એકાંકી હોય કે, સિરિયસ કે કોમેડી કે પછી વિલનનાં રોલ હોય તેઓએ અનેક કિરદારોને પુરતો ન્યાય આપ્યો છે જે તેમની અભિનય ક્ષમતાને ઉજાગર કરે છે. હું રે વિઝોગણ તારા નામની જેમાં તેમને એક વિલનની ભુમિકા ભજવી હતી જેમા તેમને સરકાર તરફથી બેસ્ટ નેગેટીવ રોલનો એવોર્ડ એનાયત થયો હતો. તેની ખુબ જાણીતી ફિલ્મો જેમાં રોંગ સાઇડ રાજુ, બહુ ના વિચાર, અફરા તફરી, ટીચર ઓફ ધ યર, ઓ તારી જેવી ફિલ્મોમાં તેમણે અલગ અલગ કિરદારો કર્યા છે. તે સાથે અનેક એવોર્ડ તેમને મળ્યા છે.
તેઓ કહે છે એક કલાકાર તરીકે હુ સતત એ વાતને ધ્યાનમાં રાખું છું કે, મારા દર્શકોને આનંદ મળે. હું જે કોઇ કિરદાર નિભાવું એને પુરતો ન્યાય આપી શકું, ખુદ તો આનંદ અનુભવું પણ દર્શકો એન્ટરટેઈન થાય એ મારી જવાબદારી હોય છે, જેનું હમેશા ધ્યાન રાખું છું. મે મારી આખીય સફરને ખુબ માણી છે અને હું જીવનની હરેક ક્ષણને માણવામાં માનું છું. આ ફિલ્ડ એવું છે જ્યાં જિવનની નરી વાસ્તવિકતાઓને ખુબ નજીકથી જોવાનો અનુભવ થાય છે. અનેક લોકોને મળવાથી લઇને અનેક પરિસ્થિતિઓએ ખુબ સારી રીતે જાણવા અને જીવવાનો અનુભવ રહ્યો છે. જેમા અનેક લોકોનો ખુબ મોટો ફાળો છે. હું મારી સફરથી ખુબ ખુશ છું. કલાકાર તરીકેનું જીવન અદભુત હોય છે જ્યારે હું નહીં હોઉં ત્યારે પણ મારા પરિવાર અને દુનિયા પાસે મારા વિશે ઘણી મેમરી ઉપલબ્ધ હશે. જેમ કલાકાર ક્યારેય મરતો નથી જેનો મને આનંદ છે.
ગુજરાતી સિનેમા વિશે તેઓ કહે છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ખુબ ઉજળું છે તેમા કોઇ શક નથી. અત્યારે ખુબ સારી ફિલ્મો બની રહી છે તે સાથે ફિલ્મ નિર્માણની પધ્ધતીમાં ખુબ બદલાવ આવ્યો છે. જે જોતાં ખુબ આનંદ થાય છે. નવા લોકો આ ક્ષેત્રમાં આવ્યા છે જે ખુબ સારી વાત છે. ઘણી નવી વાર્તાઓ અને વિષયો આવી રહ્યા છે જે ખુબ મજાની વાત છે. આવનાર સમયમાં આપણી ફિલ્મો બોલીવુડ કક્ષાની બનશે તેવી મને આશા છે.
વિઠ્ઠલ તિડીનાં અનુભવ વિશે તેઓ કહે છે કે, મને આ તભા ગોરનું એ પાત્ર કરવામાં ખુબ મજા પડી, ખાસ તો તેઓ અભિશેક જૈનની કાર્યશૈલીથી ખુબ પ્રભાવિત છે. તેઓ કહે છે અભિશેક ખુબ અનુભવી અને અદભુત ડાયરેક્ટર છે અને સ્વાભાવે ખુબ સરળ માણસ છે. પ્રતિક સાથે આ પાત્ર કરવુ એ મારા માટે સરળ એટલે પણ હતું કે, હું પ્રતિક સાથે કામ કરી ચુક્યો છું એટલે એમની સાથે મારી કેમેસ્ટ્રી પહેલેથી જ ખુબ સારી રહી છે. મને તે ખુબ પ્રિય વ્યક્તિ પણ છે. અને આ પાત્ર જેવું જિવન હું મારા વ્યક્તિગત જિવનમાં જિવ્યો છું. આ વેબસિરિઝ માત્ર સોળ દિવસમાં શુટ થઇ છે.
આવનાર સમયમાં તેમની પાચેક ગુજરાતી ફિલ્મો અને વેબસિરિઝ આવી રહી છે. જેમાં કરો કંકુ ના, ગુલામ ચોર, વામન, દોડ પકડ, મૃગતુષ્ણા જેવા નામ સામેલ છે.
રાગી જાની પોતાના જિવનના આટલા અનુભવ સાથે એક વ્યક્તિગત અનુભુતી પણ આપણી સાથે શેર કરે છે કે, મને ઘણીવાર એવું થાય કે હું આવનાર જિવન ઇશ્વરનાં સાનિધ્ય વચ્ચે પસાર કરૂં. તેઓ મહાદેવમાં ખુબ આસ્થા ધરાવે છે એટલે તેમના સાનિધ્યમાં સમય પસાર કરવાનું અનુભવે છે તે સાથે કહે છે કે, એક કલાકાર તરીકે એક વ્યક્તિ તરીકે જિવનમાં ઘણી ભુલો પણ થઇ છે જેનો મને પછતાવો છે જેને કદાચ હું ક્યારેય ફેસ નથી કરી શકતો, ક્યારેક જાત સાથે પણ એ અનુભવ શેર કરતા ખચકાટ અનુભવાય છે પણ આખરે તો હું માણસ છું.
દર્શકોને રાગી જાની કહે છે કે, જીવનનું મુલ્ય સમજવું જરૂરી છે, જે સમયમાંથી આપણે સૌ પસાર થયા છીએ તેમા કુદરતે માણસને જિવનનું મુલ્ય શિખવ્યુ છે. તો જિવનની હરેક ક્ષણ ને માણજો અને પરિવારનું માતાપિતાનું મહત્વ સમજજો. મને અત્યાર સુધી જે પ્રેમ આપ્યો છે તે આપતા રહેજો.
ધ ફુટેજ વિશે તેઓ કહે છે કે, મને તો આ નામ જ ખુબ ગમ્યું. આપણા કલાકારો વિશે ખુબ સચોટ વાતો અહીં પ્રસ્તુત થાય છે, આપ કલાકાર સુધી પહોચો છો અને લોકો સુધી તેમની વાતોને પહોંચાડો છો જે ખુબ સારી વાત છે. તેઓ કહે છે કે, આ માધ્યમની દરેક કલાકારને જરૂર છે, હું આપનો આભાર માનું છે કે ધ ફુટેજ મા મારી વાત પ્રસિધ્ધ થઇ રહી છે. તે માટે તેઓ ધ ફુટેજ નો આભાર વ્યક્ત કરે છે. ધ ફૂટેજ પણ તેમનો આભાર માની રહ્યુ છે અને આવનાર સમયમાં આપના અભિનયથી અનેક દર્શકોનું મનોરંજન કરતા રહો તેવી શુભકામનાઓ.