સામાજીક ઘરોબો ધરાવતાં ઉત્સાહી આરજે તરીકે અને ક્રિએટીવિટી માટે લોકો તેમને સાંભળે છે, ધ્વનિત છેલ્લાં પંદર વર્ષથી આ ફિલ્ડમાં સતત લોકપ્રિય રહ્યા છે.
રેડીયોનાં અનુભવ વિષે જણાવતાં તેઓ કહે છે કે રેડીયો એનો દમામ લઇને આવ્યો હતો પરંતુ હાલ મનોરંજન માટે લોકો પાસે અનેક ઓપ્શન હાથવગા ઉપલબ્ધ હોવાથી પહેલા જેવો ક્રેઝ નથી રહ્યો અને ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે.
મીડિયા પોતાની પ્રામાણિકતા કેમ ગુમાવી રહ્યું છે તે બાબતે જણાવે છે કે સોશીયલ મીડિયા આવ્યા પછી દરેકનો અવાજ સંભળાતો થયો છે. હવે કોઈ વ્યક્તિને બોલવા કે અભિવ્યક્ત થવા માટે પ્લેટફોર્મની જરૂર નથી રહી. પહેલાં માત્ર પત્રકારનો અવાજ હતો. તંત્રીની કલમે જે લખાતું એ વાંચકો વાંચતા, આજે સ્વરૂપ બદલાયું છે પ્રતિભાવ એજ સમાચારપત્ર કે મીડિયા બની ગયું છે. હવે લોકોના પ્રતિભાવો જે તે મીડિયાનું લખાણ કેટલું પ્રામાણિક અને ઉમદા છે એ નક્કી કરે છે. મીડિયા જ્યારે ડિમાન્ડ અને સપ્લાય આધારિત થઈ જાય ત્યારે પોતાની પ્રામાણિકતા ગુમાવે એ સ્વાભાવિક છે.
પોતાની સફળતાના રહસ્ય તરીકે નિખાલસપણે જણાવે છે કે પહેલા સમાચાર માટે અને લોકોની સમસ્યા અને અંગત વાતોને વાચા આપે એવું કોઈ માધ્યમ ન હતું. નેશનલ ન્યુઝ દ્વારા માત્ર શહેરની મુખ્ય ઘટનાઓ વિશે સમાચાર છપાતા. શહેરની અંદર લોકોના અંગત જીવનની સામાજીક વાતો સાંભળનાર કોઈ ન હતું. જયાં લોકોના સુખ-દુઃખ, સમસ્યા, મનોરંજન કે આનંદ ઉત્સાહની વાત મુકી શકે એવું માધ્યમ કે અંગત વ્યક્તિ કોઈ ન હતું. આ ખાલી જગ્યા હતી એ એમણે ભરી દીધી.
એકટીંગનો અનુભવ જણાવતા કહે છે કે હજી પોતે શીખી રહ્યા. પહેલી ફિલ્મ ‘વિટામિન સી’ થી મને પોતાને એક્ટિંગનો સંતોષ થયો નથી કારણ પાત્ર નીભાવવા કરતા એમાં હું સેલ્ફ અવેર વધારે રહ્યો છું. બીજી ફિલ્મ ‘શોટ સર્કિટ’ નક્કી કરશે કે મને એક્ટિંગ આવડે છે કે નહી? કહેવાય છે દર્શકોએ આ ફિલ્મને ઘણી પસંદ કરી છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષ મારા માટે બહુ પડકારજનક રહ્યાં છે. કેમેરો ફેસ કરવો એજ મારા માટે સૌથી મોટો પડકાર હતો. એ માટે મને માનસિક તૈયાર થતાં ચાર વર્ષ જેવો લાંબો ગાળો નીકળી ગયો. જેનાં કારણે ઘણી ફિલ્મની ઓફરો જતી કરવી પડી. સાથે નવી કારકિર્દી, ફિલ્મ લાઇનનાં દરેક પાસાનો અનુભવ અને સાથી કલાકારો પાસેથી ઘણું નવું શીખવા મળ્યું એ મહત્વનો અનુભવ રહ્યો.
‘શોટ સર્કિટ’ ફિલ્મની સફળતાનાં અંદાજ બાબતે સહજ નિખાલસ જણાવ્યું કે એક્ટર ગમે તેટલી મહેનત કરે, ફિલ્મની કથા વાર્તા અને દરેક પાસા અફલાતૂન હોય, પરંતુ જયાં સુધી પ્રેક્ષકોને ન ગમે કે એમના પરિમાણમાં ખરી ન ઉતરે ત્યાં સુધી એને ધારી સફળતા મળતી નથી. એટલે ફિલ્મની સફળતા બાબતે અત્યારે અનુમાન ન કરી શકાય.
એમના મતે પ્રિન્ટ મીડિયા એ સામુહિક ચેતનાને જોડતી કડી છે. કોઇપણ મીડિયા હોય એકમાંથી અનેક અને કોઈ એકની અભિવ્યક્તિને અનેક સુધી પહોંચાડવાનું જ કામ કરે છે. મીડિયા એ હ્યુમન ઇવોલ્યુશનનો એક મહત્વનો ભાગ છે. જેથી સમાજે એને સકારાત્મકતાથી સ્વીકારવું જોઈએ અને સાથોસાથ મીડિયાની પણ નૈતિક જવાબદારી છે કે સકારાત્મકતા દાખવીને લોકો સુધી પ્રામાણિકતાથી સત્ય પહોંચાડે. બન્નેની સરખી જ જવાબદારી છે. આ વાત એમની સમજની શિખરતા સાબિત કરે છે.
દેશનાં રાજકારણ બાબતે સંપુર્ણ અવેર હોવા છતાં પોતાની પોસ્ટના બ્રાન્ડનેમ નાં કારણે જાહેરમાં વ્યક્ત નથી થઇ શકતા એનો ભારોભાર એમને વસવસો છે. પરંતુ સાથે એ જણાવે છે કે જ્યારે એમને કોઈ બંધન નહીં નડે ત્યારે ચોક્ક્સ આ વિષયે બોલશે. છતાં એમના મનની દબાયેલી ઇચ્છાને હવા મળતા તેઓ જણાવે છે કે છેલ્લાં સિત્તેર વર્ષમાં આપણે શું પ્રગતિ કરી? દેશની સાંપ્રત પરિસ્થિતિ માટે એમને ભારોભાર દુઃખ છે. તેઓ જણાવે છે કે, આજીવિકાના ભાગરૂપે જ્યારે આપણે કામ સ્વીકારીએ છીએ ત્યારે આપણે જાતિ વિશે નથી વિચારતા. તો પછી જ્યારે વોટ આપીએ છીએ ત્યારે કેમ જાતિ આધારિત વોટ આપીએ છીએ? દેશની પ્રજા ક્યારે સમજશે કે વર્ણ પ્રથા કામ આધારિત છે. જાતિ આધારિત નથી. બંધારણને માત્ર એક પુસ્તક તરીકે કેમ જાણીએ છીએ?
આર જે ધ્વનિત તરીકે પોતે પ્રામાણિક છે અને એના ચાહકો સાથે કોઈ છળ નથી કરતા એ એમની બેસ્ટ ક્વોલિટી છે, તેઓ સત્યનાં ચાહક છે.
લોકોનાં એમના વ્યક્તિત્વ વિશેનાં અભિપ્રાય વિશે જણાવતા કહે છે કે એ કેવા સ્વભાવના છે એ વિશે પોતે નક્કી ન કરી શકે. જો નેવું ટકા લોકો એમની પર્સનાલિટી વિશે એવું માનતા હોય કે અભિમાની સ્વભાવ છે, તો એવું હોય શકે એની સંભાવના વધી જાય છે અને એ સાચું હોય તો પણ શું કરી શકાય? દરેક વ્યક્તિને સંતોષ આપવો એમના માટે શકય નથી. લોકો મારા મોર્નિંગ મંત્ર સાંભળીને ફિડબેક આપે ત્યારે એવું ફિલ ચોક્ક્સ થાય કે લોકોને મારા અવાજ દ્વારા વિચારોને વ્યક્ત કરી આનંદ આપી શકાય એ ખુશીની વાત છે. ત્યારે મને ફિલ થાય છે કે લોકોને અવાજથી પણ પ્રભાવિત કરી શકાય.
ગુજરાતી સિનેમા વિશે તેઓ કહે છે કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આટલી જૂની હોવાં છતાં પણ હજી પાપા-પગલી કેમ ભરે છે? ગુજરાતી સિનેમાનો એક સુવર્ણકાળ હતો પછી સાવ વિસરાય કેમ ગયો? ગુજરાતી સિનેમા કેમ બીજા રાજ્યોની પ્રાદેશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેટલો વિકાસ નથી કરી શકી? હવે ઘણી સારી ફિલ્મો આવી રહી જે જોતા ભવિષ્ય માટે તેઓ પોઝિટીવ છે.
ધ્વનિત કહે છે મારા જીવનનો સૌથી ચેલેન્જિન્ગ સમય રેડીયો જોકી તરીકે પોતાની આગવી ઓળખ બનાવવી એ જ હતો. તેઓ દેશમાં સૌથી પહેલાં રેડીયો બાઈટ, ફિલ્મ રીવ્યુ, લાઈવ શો ફ્રોમ ધ ગ્રાઉન્ડ જેવા ચેલેન્જીગ કામો કરનાર દેશના પ્રથમ વ્યક્તિ છે. ઘણાં લોકો આ વાતથી બેખબર હશે એમ તેઓ જણાવે છે.
રેડીયો ઉપર લોકોને કેવા કાર્યક્રમો ગમે છે એ વિશે રમુજમાં જણાવે છે કે, આ પ્રશ્ન લોકોને જ પૂછો એ વધુ સારી રીતે જણાવી શકશે. પ્રજા એમને કળવા નથી દેતી કે ખરેખર એમને શું જોઈએ છે? જ્યારે લોકોનાં રીવ્યુ લઇએ ત્યારે કંઇક અલગ જ જવાબો મળે છે.
એમની પ્રસિદ્ધિનાં કારણો જણાવતાં કહે છે કે, પોતાની ભાષામાં, પોતાની ગમતી વાતો, એમનાં વિચારોને વાચા આપે અને એમનાં જેવા જ વિચારો ધરાવતી વ્યક્તિ મળે એ કોઈને પણ ગમે અને રેડીયોનાં માધ્યમ દ્વારા એવી વાતો કરનાર, સમજનાર પોતીકો વ્યક્તિ પ્રેક્ષકોને મારામાં મળ્યો જેનાથી લોકો એમને ચાહતા થયાં અને હવે એક એક્ટર તરીકે પણ આટલી ચાહના મેળવવી એ એક નવી વાત છે.
દર્શકોને માટે મેસેજમાં જણાવે છે કે આટલી નાની જિંદગી છે. એમાં આટલી હાયહોય ન કરો. ભારેલા અગ્નિની જેમ ન ફરો. પ્રગતિ કરો, પૈસો કમાઓ, નામ કમાઓ, પ્રસિદ્ધિ મેળવો પરંતુ સુખ અને આનંદનાં ભોગે નહીં.
એમના મતે જીવનની સાર્થકતા એટલે જિંદગીની જેટલી ક્ષણોમાં ખુશી મળે, મોજથી જીવો એજ જીવનની સાર્થકતા છે. ભલે પછી એ કોઈપણ સામાન્ય ક્રિયાઓમાંથી કેમ ન મળતી હોય!
ફૂટેજ વિશે પૂછતાં જણાવે છે કે ગુજરાતી મીડિયાને એક નવી દિશા આપતું ગુજરાતી મનોરંજન ઇન્ડસ્ટ્રી માટે જ કોઈ સ્પેશિયલ સપ્લીમેન્ટ હોય એ ખૂબ આનંદની વાત છે. ઘણાં લોકોને ધ ફુટેજ થકી એક પ્લેટફોર્મ મળશે.