એવા કેટ્લા ગુજરાતીઓ હશે જે ગુજરાતી હોવાના નાતે ગુજરાતી ફિલ્મ જોવા જશે ?  જો એવુ હોય તો એવા કેટલા ગુજરાતીઓ હશે જે વિકેન્ડ પર પરિવાર સાથે બહાર જમવા જાય ત્યારે એ ચકાશે કે રેસ્ટોરન્ટનો માલીક ગુજરાતી છે કે કેમ? એવુ નથી બનતું કારણ કે બન્ને વિષયમાં ક્વોલિટી મહત્વનો ભાગ ભજવે છે.

સિનેમાએ માણસના જિવનનો મનોરંજનનો ભાગ છે. તેમા તર્ક, બોધપાઠને કોઇ ખાસ લેવા દેવા નથી. એવી ખુબ ઓછી ફિલ્મો હશે જેણે માણસનુ જિવન બદલી નાખ્યુ હોય. એટલે સહજ આ વાતને નકારવા જેવી નથી કે માણસ પોતાના રોજિંદા જિવનમાથી મનોરંજન માટે ફિલ્મ જોવા જાય છે, કંઇ શિખવા કે બોધપાઠ લેવા નહી. તો સામા પક્ષે એ જવાબદારી બની જાય છે કે તેમણે બનાવેલી ફિલ્મ માણસને એન્ટરટેઇન કરી શકે છે કેમ ? તો હવે વાત કરીએ ગુજરાતી સિનેમાની. કહેવાય છે કોઈપણ વિષયની નિષ્ફળતા માટે તેની સાથે સંકળાયેલા લોકો અને તેમની માનસિકતા, તેમની કામ કરવાની રીત જવાબદાર હોય છે. ગુજરાતી સિનેમા માટે પણ આ જ વાત લાગુ પડે છે.

ગૃપીજમ, લેભાગુ, સ્વાર્થીપણું, અનપ્રોફેશન બીહેવ, હેલ્ધી કોમ્પીટિશનનો અભાવ અને ખાસ કરીને એક સારી ફિલ્મ માટે પ્રમોશનનો અભાવ વગેરે વગેરે.. જેવા અનેક કારણો ગુજરાતી સિનેમાને લાગુ પડતા મુદા છે. એ પણ સાચુ કે આવુ ક્યા પ્રોફેશનમાં નથી ? બધા જ ફિલ્ડમાં થોડાઘણા અંશે આ બધુ હોવાનું જ. પરંતુ ખુબ લાંબા સમય પછી પણ આ સિનેમા હજુ સર્વાઇવલ પરિસ્થિતીમા જ શું કામ છે? ખાસ કરીને ગુજરાતી દર્શકો ગુજરાતી સિનેમા માટે વધારે પ્રમાણમાં નિરાશાજનક દ્રષ્ટીકોણ શુ કામ ધરાવે છે? અત્યારના સમયમા બે પાંચ ગુજરાતી ફિલ્મો સારી બની જે ખુબ સારી વાત છે અને એ ફિલ્મો ગુજરાતી દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવી. આ ફિલ્મોએ એવો માહોલ ક્રિએટ કર્યો કે ગુજરાતી સિનેમા હવે નવા સ્વરૂપે આગળ વધી રહ્યું છે. એમા મુળભુત કારણો શું હતા ફિલ્મનો વિષય, પ્રમોશન કે ક્વોલિટી ?

એક ફિલ્મ બનાવવામાં કેટલા લોકોની મહેનત અને કેટલો પૈસો વપરાય છે એ બધાની મહેનતનાં પરિણામથી જે ફિલ્મ બને એ ફિલ્મનો દેખીતો ઉદેશ્ય એટલે ફિલ્મ દર્શકોને એન્ટરટેઇન કરી શકશે કે કેમ ? જો એ ફિલ્મ દર્શકોને મનોરંજન પુરું નથી પાડી શકતી તો નિષ્ફળ. જેમ આ વાત હિન્દી ફિલ્મોને લાગુ પડે છે એમ આ વાત ગુજરાતી સિનેમાને પણ એટ્લી જ લાગુ પડે છે. હુ વધારે પડ્તા વિષ્લેશણ તરફ ન જતા માત્ર ગુજરાતી સિનેમા સાથે સંકળાયેલા લોકો માટે અહિં મહત્વની વાત મૂકીશ. કે ક્યાં સુધી ગુજરાતી સિનેમાને પૂરતા શો મળતા એ વાત પર રડે રાખશો? ક્યાં સુધી ગુજરાતી દર્શકો સીનેમાં હૉલ સુધી નથી આવતા એ વાતનો અફસોસ પ્રગટ કરતાં રહીશું? ક્યાં સુધી માત્ર સબસિડીને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનતી રહેશે?

એક ફિલ્મના હરેક પાસાઑ જેમ કે, સ્ટોરી, કલાકાર, ડાયલોગ, ડાયરેકશન, પ્રોડકશન, કાસ્ટિંગ, મ્યુઝિક, બેકગ્રાઉન્ડ, લોકેશન, અભિનય, ગીત, એડિટિંગ, ઇફેક્ટ, કોરિયોગ્રાફી, ટિમ, પ્રમોશન, ડિસ્ટ્રિબ્યુશન, માર્કેટિંગ વગેરે જેવા અનેક પાસાઑમાં એક મેકિંગ પ્રોસેસને પ્રોફેશનલી ફોલો કરી જુઓ. ને આ હરેક પાસાઓમાં એક પણ પાર્ટમાં કોઈપણ પ્રકારની બાંધછોડ વગર એક ફિલ્મને બહેતર કેમ બનાવી શકાય એ જ મુદાને ધ્યાનમાં રાખીને જે દિવસ સિનેમા સાથે સંકળાયેલા હરેક વ્યક્તિએ કામ કર્યું તે દિવસ એક પણ પ્રશ્ન એવો નહી હોય જે ઊભો થશે. ને ત્યારપછી ડિસ્ટ્રિબ્યુટર દોડતો આવશે, મલ્ટિપ્લેક્ષની મજાલ નહી હોય કે આપનું ફિલ્મ ઉતારી દેવામાં આવે ને દર્શકો પણ સામે ચાલીને આવશે. એવું બનશે એવી આશાઓ રાખીએ ને જ્યારે આ સિનેમામાં નવું ટેલેન્ટ આવશે ત્યારે આ ઇન્ડસ્ટ્રી વધુ વેગવાન બનશે.

આ વાત ગુજરાતી સિનેમા સાથે સંકળાયેલા લોકો અને ગુજરાતી દર્શકોએ વિચારવા જેવી છે. મારો ઉદેશ્ય ગુજરાતી સિનેમાને નેગેટિવ ચિતરવાનો નથી પંરતુ એટલો જ છે કે આ ઇન્ડસ્ટ્રી જો ગુજરાતી દર્શકો માટે મહત્વની અને એન્ટરટેઇન કરી શકે, દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા જેટલી સફળ બને તો અનેક ગુજરાતીઓ અને ગુજરાતમા એક નવા સફળ ઉધ્યોગની શરુઆત થાય જે ગુજરાતના અનેક લોકો માટે રોજગારની સાથે ગુજરાતના અનેક યુવા ટેલેન્ટને પોતાના સપનાઓ પુરા કરવાનુ માધ્યમ બની રહશે. આશા કરીએ કે ગુજરાતી સિનેમા આવનાર સમયમા અનેક શિખરો સર કરીને ગુજરાતમા એક સફળ ઉધ્યોગની શરુઆત કરશે. આભાર

આપનો અભિપ્રાય અચૂક જણાવશો

ભૂપેન વાળાની કલમથી…

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *