સિનેમા આપણા જીવનમાં ખુબ મોટો ભાગ ભજવનારો વિષય છે. રોજબરોજની ભાગદોડ વચ્ચે માણસનાં જીવનમાં મનોરંજન આવશ્યક વિષય રહ્યો છે. વર્તમાન સમયમાં મનોરંજનનાં અનેક માધ્યમો વચ્ચે સિનેમા ખુબ પ્રભાવશાળી માધ્યમ રહ્યું છે. ફિલ્મો માણસને આકર્ષે એ ખુબ સ્વાભાવિક વાત છે. કેમ કે, ફિલ્મો એ આપણા જીવન સાથે સિધો સંકળાયેલો વિષય છે. સમાજમાં બનતી ઘટનાઓ જ્યારે પડદા પર આલેખવામા આવે ત્યારે આપણને એમા પોતિકાપણુ અનુભવાય છે. ગ્લેમર જગત તરફનું આકર્ષણ વર્ષોથી આપણા જીવનનો ખુબ મોટો ભાગ રહ્યુ છે. નાનામાં નાના માણસથી લઇને દરેક વર્ગ ફિલ્મી દુનિયા તરફ આકર્ષાતો આવ્યો છે. ખાસ કરીને સામાન્ય માણસને આ ગ્લેમર જગત તરફ અનોખો પ્રેમ હોય છે. તો આ જાકમઝાળ ભરેલી દુનિયા વચ્ચે જવું કોને ન ગમે !?
આજે વાત કરીએ ફિલ્મ પ્રિમિયર શો ની, શું હોય છે ફિલ્મ પ્રિમિયર અને તેમા થાય શું ? આ સવાલ તમારામાંથી હજુ પણ ઘણા લોકોને થતો હશે. આજે સાવ સરળ ભાષામાં અને વાસ્તવિક સ્વરૂપે જાણો કે ફિલ્મ પ્રિમિયર શું હોય? અત્યારનાં સોશ્યલ મિડીયાનાં યુગમાં આપ અવારનવાર અનેક લોકોનાં ફોટોગ્રાફ તમે સેલિબ્રીટી સાથે જોતા હશો. અને ફિલ્મ પ્રિમિયરમાં જતા લોકોના ફોટા પણ અનેકવાર નજરે ચડતા હશે. સાવ સરળતાથી જણાવું તો, ફિલ્મ પ્રિમિયર એ ખરેખર ફિલ્મ પ્રમોશનનો એક ભાગ છે. એક થિયેટરની મોટાભાગે પ્રોડ્યુસર દ્વારા બધી સ્કીન બુક કરવામા આવે, ત્યાં ખાસ કરીને સેલીબ્રિટી, મિડીયા, અમુક જાણીતા વિઆઇપીઓ, સબંધીઓ, મિત્રો અને હવે તો સોશ્યલ મિડીયા ઇન્ફ્લ્યુએન્સરને બોલાવવામાં આવે છે. આ ફિલ્મ શો ફ્રીમાં ઇન્વીટેશન દ્વારા આયોજીત કરવામાં આવે છે. જ્યાં પોપ્કોન અને કોક સાથે ક્યારેક સમોસા પણ ફ્રીમાં પિરસાતા હોય છે. પ્રિમિયર શો મોટાભાગે ફિલ્મ રિલીઝ નાં આગલા દિવસે યોજાતો હોય છે. જેથી આ બધા લોકો ફિલ્મ વિશે પોતાનો પ્રતિભાવ રજુ કરે અને ફિલ્મનું માર્કેટીંગ સારી રીતે થાય. પ્રિમિયર શો માં ફિલ્મની સ્ટાર કાસ્ટ તેમજ નિર્માતાઓ હાજર હોય છે જે મિડીયા સાથે અને અન્ય લોકો સાથે ફિલ્મ વિષે પોતાનો અનુભવ રજુ કરે છે. ઘણા વન ટુ વન ઇન્ટરવ્યુ તો ઘણી બાઇટ લેવામા આવે છે, બધા જ પ્લેટફોર્મ પર ફિલ્મનુ પ્રમોશન સારુ થાય એવા ઉદેશ્યથી આ શો નું આયોજન થતું હોય છે. એક ગેધરીંગ જેવો ગ્લેમર માહોલ હોય છે, જ્યાં તમારી આસપાસ અનેક નામી અનામી ચહેરાઓ હાજર હોય છે. આ થઇ સરળ વ્યાખ્યા હવે કરીએ ગુજરાતી ફિલ્મોનાં પ્રિમિયર શોની વાસ્તવિક વાત.
આપણે ત્યાં નવા નવા રેકમેન્ડ થયેલા નિશાળીયાઓ ફિલ્મ પ્રિમિયરનું આયોજન જોતા હોય છે. એવું એટલા માટે લાગે કે, આ શો નું આયોજન અને વ્યવસ્થા ખુબ મહત્વની હોય છે. જો પ્રિમીયરનું પિઆર જોતા લોકો બિનઅનુભવી અને નવા હોય તો સ્વાભાવીક પણે એ દેખાય આવે. આવા લોકોનાં કારણે ફિલ્મને અને ફિલ્મ નિર્માતાઓને નુકશાન થાય છે. ફિલ્મ પ્રિમિયર શોનું આયોજન અને પિઆર જોતા લોકોનાં દરેક પ્રકારનાં મિડીયા સાથે સબંધો અને અનુભવ ખુબ મહત્વનાં મુદાઓ છે. બિનઅનુભવી લોકો થકી જે પબ્લિસીટી ફિલ્મને મળવી જોઇએ એ મળતી નથી. વધુ ન શિખવતા એટલું કહીશ કે, ફિલ્મ પ્રિમિયરનું આયોજન અને પિઆર જોનારા વ્યક્તિ કોણ છે, તેમના મિડીયા સાથેનાં તેમજ અન્ય પ્રમોટર્સ સાથેના સબંધો કેવા છે ? તેમને આ બધી જ બાબતોનુ ભરપુર નોલેજ હોવું પણ એટલું અનિવાર્ય છે. ગુજરાતી ફિલ્મોનાં પ્રિમિયરમાં અમુક વાર ખાલી ભિડ ભેગી કરાતી હોય એવું નજરે ચડે છે. જે સેલીબ્રિટી સાથે ફોટા પડાવવા પુરતા જ આવ્યા હોય એવા લોકોને આમંત્રીત કરાતા હોય છે. બ્લોગર્સ કે ઇન્ફ્લ્યુએન્સર્સનો પ્રોપર ઉપયોગ કરવામાં આવતો નથી. ફિલ્મની પબ્લિસિટી માટે તેમનો ભરપુર ઉપયોગ થઇ શકે. પંરતુ તેમને આ બાબતનું નોલેજ નથી હોતું. નામ અને અનુભવના અભાવનાં કારણે મેઇનસ્ટ્રિમ મિડીયાની હાજરી નહિવત હોય છે, તેમને ક્રેક કરવામા તેઓ નિષ્ફળ જાય છે. ફિલ્મ પ્રિમિયરની ચોક્કસ સફળતા માટે નિર્માતાઓએ આવી ઘણી બાબતો પર ધ્યાન દેવાની જરૂર ખરી.
એક તર્ક દર્શકો માટે, જો ફિલ્મ પ્રિમિયરમાં મિત્રો અને ખાસ કરીને સેલિબ્રિટીઓને આમંત્રણ હોય તો ફિલ્મ વિશેનાં તેમના અભિપ્રાયમાં તટસ્થતા કેટલી !? બ્લોગર્સ અને ખાસ કરીને ઇન્ફ્લ્યુએન્સર્સ ઘણીવાર પેઇડ રિવ્યુ આપે છે. સબંધોને સાચવવા સેલિબ્રીટીઓ હમેશા ફિલ્મોનાં વખાણ કરતા હોય છે, જેથી દર્શકો ભ્રમિત થાય છે. જે ફિલ્મો સારી હોય તેના વિશે તેમનો અભિપ્રાય સારો જ હોય એ ખરું, પરંતુ જે ફિલ્મ તેમને ગમી નથી તેના વિશે તેઓ કશુ પણ લખવાનું ટાળે છે. અંતે જવાબદારી દર્શકોની છે કે, તેઓ પોતાની વિવેકબુદ્ધીનો ઉપયોગ કરે.
તો આ હતી ફિલ્મ પ્રિમિયર શો વિશેની વાસ્તવિક વાત. આવતા અંકમાં વાત કરીશું ગુજરાતી સિનેમાની ફિલ્મોના ડીસ્ટ્રિબ્યુશનનુ કડવુ સત્ય..આભાર
- ભુપેન વાળા
એડીટર- ધ ફૂટેજ