ગુજરાતી ફિલ્મોનો વ્યાપ વધે એ રિઝનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આવશ્યક અને આવકારદાયક બાબત છે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સફળતા તેમના બહોળા પ્રચાર અને પ્રસાર પર નિર્ભર કરે છે. ગુજરાતી સિનેમા માટે આવા પ્રયાસો કરનારા લોકો અને ઇવેન્ટની ધ ફુટેજ હમેશા સરાહના કરતું આવ્યું છે.
તાજેતરમાં વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિની શિકાગો, યુએસએ ખાતે ભવ્ય શરૂઆત થઈ હતી. આ ફેસ્ટિવલનું આયોજન IGFF ના ફાઉન્ડર કૌશલ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું તથા હાઈ ઇન્ડિયા તરફથી હેમંત બ્રહ્મભટ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને વાડીલાલ આઈસ્ક્રીમ દ્વારા સ્પૉન્સર કરવામાં આવ્યો હતો. જ્યાં મલ્હાર ઠાકર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘લોચા લાપસી’ ના પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઓપનિંગ નાઈટમાં ગુજરાતી સિનેમાને સિલિબ્રેટ કરવા માટે દર્શકો બહોળા પ્રમાણમાં એકત્ર થયા હતા. આ ફેસ્ટિવલમાં ફિલ્મ ‘લોચા લાપસી’ અને જમવામાં ભજીયા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ચોથી આવૃત્તિ શિકાગો, યુએસએ ખાતે ૭ થી ૯ જુલાઈ દરમિયાન યોજાઈ હતી. આ ફેસ્ટિવલમાં ૫૦૦૦ થી વધુ પ્રેક્ષકોએ તેમના જબરજસ્ત પ્રતિસાદ સાથે હાજરી આપી હતી. ફેસ્ટિવલ જ્યુરી ચેર પર્સન એસ.જે. શિરો, જ્યુરી સભ્યો ગોપી દેસાઈ, જય વસાવડા અને મયંક છાયા સહિત શિકાગોના ઘણા મહાનુભાવો અને ગુજરાતી ફિલ્મ સમુદાયના લોકો જેવા કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મલ્હાર ઠાકર, સુપ્રસિદ્ધ ગુજરાતી લોક ગાયક અતુલ પુરોહિત, બોલિવૂડના બહુમુખી અભિનેતા દર્શન પંડ્યા, ગુજરાતી ફિલ્મ નિર્દેશક નિરજ જોષી અને ફિલ્મ નિર્માતા મિલાપસિંહ જાડેજાએ નોંધપાત્ર હાજરી સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.
૯મી જુલાઈના રોજ ફેસ્ટિવલનું સમાપન ઓફિશ્યિલ પસંદ થયેલી ફિલ્મોના એવોર્ડ સમારંભ સાથે થયું હતું આ ઉપરાંત સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક શ્રી અતુલ પુરોહિત દ્વારા સાંસ્કૃતિક સંગીતના પર્ફોર્મન્સ અને ત્યારબાદ ગાલા કોકટેલ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જ્યુરી સભ્ય જય વસાવડાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેની સફર વિશે વાત કરી હતી અને અભિનેતા મલ્હાર ઠાકરે ગુજરાતી ફિલ્મો, તેના કન્ટેન્ટ અને સંસ્કૃતિ વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા. ફિલ્મો દ્વારા યુવા પેઢીને આપણી ગૌરવશાળી ગુજરાતી સંસ્કૃતિ, મૂલ્યો અને ભાષા તરફ આકર્ષિત કરી શકાય છે અને તે માટે IGFF એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દર વર્ષે વિવિધ ગુજરાતી ફિલ્મ સ્ક્રીનીંગ દ્વારા ગુજરાતી સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે IGFF એ સાંસ્કૃતિક પડદા પર તેની એક અવિશ્વસનીય છાપ છોડી છે. જેને દર્શકોનો દરેક વર્ષે જબરજસ્ત પ્રતિસાદ મળતો આવ્યો છે. આ ફેસ્ટિવલ અગાઉ ૨૦૧૮માં ન્યૂ જર્સીમાં, ૨૦૧૯માં લોસ એન્જલસમાં અને વૈશ્વિક મહામારીના કારણે બે વર્ષના ગાળા બાદ ૨૦૨૨માં એટલાન્ટામાં પરત ફર્યો હતો. ખૂબ જ લોકપ્રિયતા મેળવતા આ ફેસ્ટિવલમાં દર વર્ષે ૫૦૦૦ થી વધુ પ્રેક્ષકો હાજરી આપે છે. જ્યારે આ વર્ષે પણ દર્શકોએ આ ફિલ્મ ફેસ્ટિવલને મન ભરીને માણ્યો હોવાના દર્શ્યો કેમેરામાં કેદ થયા હતા.