ગુજરાત સરકારએ પ્રાદેશિક કલા, સાહિત્ય અને સિનેમાને વેગ મળે તે હેતુથી સરકારે ગુજરાતી ફિલ્મો માટે સબસિડી અને પ્રોત્સાહન નીતિ અમલમાં મૂકી, જે ખરેખર આવકારદાયક અને પ્રશંસનીય પગલું છે,(કે હતુ?). આ નીતિ પાછળ સરકારની મનસા બિલકુલ સાફ અને યોગ્ય રહી છે કે આપણી ઇન્ડસ્ટ્રી આર્થિક રીતે સશક્ત બને, મેકર્સને પીઠબળ મળે અને પ્રાદેશિક સ્તરે ઉત્તમ કન્ટેન્ટ તૈયાર થાય. પરંતુ, સમય જતાં જ્યારે આપણે આખી વ્યવસ્થાનું ગ્રાઉન્ડ રિયાલિટી પર પૃથ્થકરણ કરીએ, ત્યારે સિક્કાની બીજી બાજુ પણ એટલી જ પ્રબળ બનીને સામે આવે છે. આજે આપણી સામે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે – જે બાબત ઉદ્યોગના પ્રોત્સાહન માટે શરૂ થઈ હતી, શું આજે તેનો મૂળ હેતુ જ બદલાઈ નથી ગયો?
એક તાર્કિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, કોઈપણ પ્રોત્સાહનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તા સુધારવાનો હોય છે. સરકાર જ્યારે ‘A, B, C, કે D’ જેવા જુદા-જુદા ગ્રેડિંગના આધારે લાખો રૂપિયાની આર્થિક સહાય જાહેર કરે છે, ત્યારે અપેક્ષા એ હોય છે કે મેકર્સ એ પૈસાનો ઉપયોગ સારી સ્ક્રિપ્ટ, કલાકારો અને નવી ટેકનોલોજી પાછળ કરે અને રિઝનલ સિનેમાને પ્રોત્સાહન મળે. પરંતુ વર્તમાન સમયમાં જે ચિત્ર ઉપસી રહ્યું છે તે કંઈક જુદું જ છે. ઇન્ડસ્ટ્રીમાં એક એવો વર્ગ ઊભો થયો છે જે માત્ર દર્શકોના મનોરંજન માટે નહીં, પણ માત્ર ને માત્ર સબસિડી મેળવવાના એકમાત્ર ઉદ્દેશ્યથી જ ફિલ્મ બનાવે છે. જ્યારે સર્જન પાછળનો ઉદ્દેશ્ય જ માત્ર સરકારી તિજોરીમાંથી પૈસા મેળવવાનો બની જાય, ત્યારે એ ફિલ્મમાં કલા, સર્જનાત્મકતા કે ક્વોલિટી ક્યાંથી જળવાઈ રહેવાના?
ખરેખર વિચારવા જેવી બાબત એ છે કે, આ નીતિના કારણે એવી ઘણી ફિલ્મો બને છે, જેનુ સ્તર ઊંચું આવવાની જગ્યાએ સતત નીચું જોવા મળશે. બજેટ અને પ્રોડક્શન લેવલે એટલું જબરદસ્ત કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે કે ફિલ્મ ફક્ત ગ્રેડિંગ મેળવવા પૂરતી કાગળ પર તો બની જાય છે, પણ થિયેટર સુધી પહોંચતા જ દમ તોડી દે છે. કેટલાક કિસ્સાઓમાં તો સબસિડી મેળવવા માટેના જે સ્ક્રીનિંગ અને સમયગાળાના ચોક્કસ નિયમો છે, તેને પૂરા કરવા માટે કાગળ પર જ શો ‘હાઉસફુલ’ બતાવી કે આટલા વિક ચાલી એવો ખેલ પણ ચર્ચાનો વિષય બનતા રહ્યા છે. આવા સમયે મનમાં સહજ પ્રશ્ન થાય કે, આ આખી પ્રક્રિયામાં શું ખરેખર સરકારી પૈસાનું આંધણ નથી થઈ રહ્યું? પ્રોત્સાહનની આ સરકારી નિતી સિનેમાને ખરેખર ફાયદો કરાવી રહી છે, કે પછી વચેટિયાઓ અને લેભાગુ તત્વો જ આ આખી વ્યવસ્થાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે?
બીજો એક મોટો સવાલ એ સ્ક્રીનિંગ કમિટી સામે પણ વારંવાર ઊભો થાય છે, જે ફિલ્મોની ગુણવત્તા અને તેના ગ્રેડ નક્કી કરે છે. કમિટીના મૂલ્યાંકનના પેરામીટર્સ કેટલા પારદર્શક છે? શું કોઈ ફિલ્મની કલાત્મક કિંમત ખરેખર તેની સ્ક્રિપ્ટ અને મેકિંગના આધારે નક્કી થાય છે, કે પછી કોના ‘કોન્ટેક્ટ’ કેવા છે તેના પર? જ્યારે આવી મહત્વની કમિટીઓની તટસ્થતા સામે આંગળી ચીંધાય, ત્યારે આખી પ્રોત્સાહન નીતિ શંકાના દાયરામાં આવી જાય છે. કોઈના પર પાયાવિહોણા આક્ષેપ મૂકવો એ અમારો હેતુ નથી, પણ શું આ પ્રકારની સિસ્ટમથી ગુજરાતી સિનેમાને લાંબા ગાળે મોટું નુકસાન નથી થઈ રહ્યું?
જ્યારે આખી વ્યવસ્થાનો મૂળ હેતુ જ મરી પરવારે, ત્યારે એનો સિનેમા ઉદ્યોગને શું ફાયદો? અમારુ કામ અહીં કોઈને ગુનેગાર સાબિત કરવાનું નથી, પણ આ ઇન્ડસ્ટ્રીના એક જવાબદાર ભાગ તરીકે આ ગંભીર મુદ્દા તરફ ધ્યાન દોરવું અત્યંત જરૂરી છે. સરકારની નીતિ યોગ્ય હોવા છતાં, જો તેનું અમલીકરણ જ ખોટી દિશામાં થતું હોય, તો નુકસાન આખરે આપણી માતૃભાષાના સિનેમાને જ ભોગવવું પડે છે.
સાઈન ઓફ કરતા પહેલાં વાચકો, વિચારકો અને સિનેમા જગતના અનુભવી મિત્રો સમક્ષ આ સવાલો મુકું છું. આ વિષયને માત્ર નકારાત્મકતાના ચશ્માથી જોવાને બદલે, એક તાર્કિક અને સાચી હકીકત તરીકે સ્વીકારીને આમાં કેવા સુધારા થવા જોઈએ, તે અંગે આપનો વિવેકપૂર્ણ અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં અચૂક જણાવશો.