ગુજરાતી સિનેમા જગતમાં ‘મોન્ટુની બિટ્ટુ’ નામથી હવે કોઈ અજાણ નથી. અને તાજેતરમાં ‘૨૧મું ટિફીન’ આ નામ પણ એટલુ ગુંજતુ થયું છે. ગુજરાતી ફિલ્મોમાં નવા વિષય સાથે આવેલી અને સાત સાત અઠવાડિયા સુધી નોન સ્ટોપ થિયટરમાં પ્રેક્ષકોને લઈ આવતી આ ફિલ્મે એક નવો જ રેકોર્ડ જાણે સ્થાપ્યો છે. તમે આ ફિલ્મ વિષે ઘણું જાણતા હશો, પણ આ ફિલ્મ જેણે બનાવી છે, ચાલો આજે એમના વિષે એટ્લે કે ફિલ્મના ડાયરેક્ટર  વિજયગિરી બાવા વિષે કેટલીક જાણી અજાણી વાતો જણાવીએ.

મહેસાણાના ખેરાલુ તાલુકાના અંદાજે બે હજારની વસ્તીના ચાણસોલ ગામના એક ખેડૂત પરિવારમાં વિજયગીરી બાવાનો જન્મ થયો. પરિવારનું આર્થિક ઉપાર્જન માત્ર ખેતી છે.

ફિલ્મ કારકિર્દી કેવી રીતે શક્ય બની?

મારૂ પ્રાથમિક શિક્ષણ એક થી છ ધોરણ ગામમાં જ થયેલું. સાત થી બાર બાજુના ગામે કર્યું. તે જમાનામાં મેં પન્નાલાલ, મેઘાણી, મુનશીને વાંચી ખુબ વાંચ્યા. મારા સ્વભાવ અને પસંદ પ્રમાણે મેં 11-12 આર્ટ્સ લીધું. બાર ધોરણમાં હું શાળામાં ટોપર બન્યો 80 ટકા સાથે. આ એ સમય હતો જ્યારે મારા મગજમાં ધૂન સવાર થઈ ગઈ હતી કે મારે ફિલ્મોમાં જ કામ કરવું છે. સાથે સાથે એક વાત મનમાં સમજાઈ ગઈ હતી કે હવે અમદાવાદમાં જ રહીને કશુંક કરવું છે. કોલેજના પહેલા વર્ષમાં જ હું રાજુ બારોટના અમદાવાદના થિયેટર ગૃપમાં જોડાયો. ત્રીજા વર્ષના અંતે તો હું રાજુભાઈનું પ્રોડકશન સારી રીતે હેન્ડલ કરવા લાગેલો, જ્યાં મારી કમાણીની શરૂઆત થઇ.લગભગ 2007માં કોલેજ પૂરી થયા પછી પીજીમાં રહેવાનું શરૂ કર્યું અને કરિયરને ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. એક વિચાર બહુ આવતો કે બોમ્બે જવું જોઈએ. પણ એવી સ્થિતિ હતી નહીં કે જઇ શકાય. આજ સમયમાં ગુજરાતી ભાષામાં એક જ ચેનલ ઝી ગુજરાતી આવતી, તેમાં એક સિરીયલમાં પ્રોડકશન આસિસ્ટન્ટ તરીકે જોડાવાનો મોકો મળ્યો. એ પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ ‘ડોક્ટરની ડાયરી’ અને ‘કભી કભી’ કર્યા. આટલા સમયમાં તો હવે હું ઇનહાઉસ એ.ડી. બની ગયો હતો. સંદીપ પટેલની સાથે સારું ટ્યુનિંગ રહ્યું અને તેમના અક્ષર પ્રોડકશનના ‘સગપણ એક ઉખાણું’માં  હું ચીફ એ.ડી. બન્યો. આ પછી જોસેફ મેકવાનની ‘મારી પરણેતર’ કરી. ‘મોટી બા’, ‘કોમેડી એક્સપ્રેસ’ કરી. તે પછી નક્કી કર્યું કે હવે સિરિયલો નથી કરવી, ફિલ્મમાં જ જવું છે. અને સામેથી એક મોકો મળ્યો ‘પતંગ’ ફિલ્મમાં. જે એક હોલિવૂડ મૂવી હતી. જેમાં સીમા વિશ્વાસ, નવાઝુદ્દીન સિદ્દીકી અને સુગંધા જેવા કલાકારો હતા. અહીં હું કાસ્ટિંગ એ.ડી. હતો. અમદાવાદમાં જ તેનું શૂટિંગ થયું હતું.

મુંબઈ જવાનું કેવી રીતે થયું ?

એકવાર એક ફ્રેંડને મળવા મુંબઈ ગયો ત્યારે એને કોઈ ફિલ્મના ફ્લોર પર જ મળવાનું બન્યું. ત્યાં ‘માય ફ્રેન્ડ પિંટો’ નું શૂટિંગ શરૂ થવામાં હતું ત્યાં હું કાસ્ટિંગ એ.ડી. બન્યો. આ ફિલ્મ પછી તો મેં ગાર્ગી ત્રિવેદીના ડી.ઑ.પી.માં પ્રતિક બબ્બર અને કલ્કિ સાથે એક ફિલ્મ કરી. અને ધ ગુડ રોડમાં પણ એ.ડી. તરીકે કામ કર્યું. પણ પછી અમદાવાદ આવી ગયો. એ સમય હતો 2010 નો.

અમદાવાદમાં આવ્યા પછી તમે શું કર્યું?

અહીં મેં અને ટ્વિંકલે લગ્ન કર્યા અને હવે અમારો ખરો અઘરો સમય શરૂ થયો. ટ્વિંકલ જોબ કરતી અને હું કામ શોધતો. મેં ટ્વિંકલના પૈસાથી ‘અમદાવાદી મિજાજ’ નામે એક શોર્ટ ફિલ્મ બનાવી. જેને અમદાવાદનાં જન્મદિવસે ઉજવાતા દર્પણ ફેસ્ટિવલમાં  600 નોટ આઉટનો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો. વળી જે ફિલ્મ હું અધવચ્ચે છોડી આવેલો ‘પીપલી લાઈવ’ એના ડાયરેકટર અનુષા રિઝવી અને મહેશ ભટ્ટ એ એવોર્ડનાં જયુરી હતા. આમ 2010માં પચીસમા વર્ષે હું ઈન્ડસ્ટ્રીમાં યંગેસ્ટ ડાયરેક્ટર હતો.

પોતાના ગમતાં કામની શૃરૂઆત કેવી રીતે થઈ ?

લગભગ છવીસમે વર્ષે મને લાગ્યું કે હવે હું ફક્ત મારા પોતાના પ્રોડકશનમાં જ કામ કરીશ અને મારે એક ફિલ્મ બનાવવી જ છે. એ પછી શું કરવું એ પછી જોઈશું. પણ આર્થિક પાસું મજબૂત ના હોવાથી મેં એ પછી ફ્ર્રિલાન્સ કામ શરૂ કર્યું અને 2012-13માં ઘણું કામ કર્યું. જેમાં આખા પ્રોજેક્ટ્સ જ હું લઈ લેતો અને કામ કરતો. આ જ અરસામાં મેં મારી વિજયગિરી ફિલ્મ્સનું પણ રજિસ્ટ્રેશન કરાવી રાખ્યું હતું.

તમે પહેલી ફિલ્મ કઈ બનાવી?

તરત એવો પ્લાન નહોતો કે શું કરવું. પણ એક વાર્તા મનમાં ઘૂમરાયા કરતી હતી. અને 2015માં ત્રણ જુલાઈએ પહેલી ફિલ્મ રીલીઝ થઈ. જે ફિલ્મનું નામ હતું પ્રેમજી. આ ફિલ્મ બનાવવા માટે થઈને અમે ઘર નહોતું લીધું અને એ પૈસા બધા ફિલ્મમાં નાખ્યા હતા. રીલીઝ થતાં સુધીમાં તો મારુ પ્રોડકશન એક કરોડે પહોંચેલું અને ફિલ્મ દર્શકોને પસંદ પણ આવી. ત્યાર પછી ‘મહોતું’ એક શોર્ટ ફિલ્મ બનાવી અને જે એક ખૂબ જ સફળ ફિલ્મ સાબિત થઈ. જો કે એ યુટ્યુબ પર જ આવેલી છે.

‘મોન્ટુની બિટ્ટુ’ વિષે જણાવો.

આ ફિલ્મમાં મેં ડાયરેકટર તરીકેનો અનુભવ માણ્યો અને બધું એકદમ સરળતાથી પાર ઉતર્યું એનો ઘણો આનંદ છે. જેમાં અમે ઘણી મહેનત કરી છે અને દર્શકોના પ્રેમના કારણે આ ફિલ્મ સાત અઠવાડિયા થિયેટરમાં રહી એનો ગર્વ છે. ફિલ્મની પ્રોડ્યુસર મારી પત્ની ટ્વિંકલ છે. અમે રીલીઝના પચીસ દિવસ પહેલેથી જાતજાતના આઇડિયા અને ક્રિએટિવિટી સાથે માર્કેટિંગ શરૂ કરેલું. રથયાત્રામાં અમારો પણ એક રથ અમે જોડેલો. જો કે પૈસો અઢળક ખર્ચાયો. પણ રીલીઝ પછીના આંકડાઓએ અમને બધુ પૂરું પણ કરી આપ્યું. એટ્લે ટૂંકમાં તમે ગમે તેટલી મહેનત કરો પણ આખરી દાવ પ્રેક્ષકો જ નક્કી કરે છે કે તમે શું કામ કર્યું છે.

ધ ફૂટેજ વિષે શું કહેશો?

ગુજરાતી સિનેમાને હજી પ્રિન્ટ મીડિયા તરફથી એટલો સાથ નથી મળી રહ્યો ત્યારે તમારા થકી એ માન્યતા તૂટે અને ‘ધ ફૂટેજ’ એક સબલાઇન તરીકે લોકોના મગજમાં રહે એવી અમારી શુભેચ્છા.

Share on

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *