કેયુર દેસાઈ એ ગુજરાતી ફેશન અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સુસ્થાપિત અને જાણીતું નામ છે. ગુજરાતી મનોરંજન જગતમાં ‘KD’ ના હુલામણા નામે જાણીતા કેયુર દેસાઈએ દેશ-વિદેશમાં લગભગ ૧૫૦૦થી વધુ મોડેલિંગ અને ફેશન કોરિયોગ્રાફી શો કર્યા છે. ભારતના ટોચના મોડેલ્સ, ટીવી કલાકારો, સિરિયલ આર્ટિસ્ટ અને ફિલ્મ સ્ટાર્સ સાથે તેમણે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કર્યું છે. તેમના માર્ગદર્શનમાં અમદાવાદ ખાતે IJFW (ઇન્ડિયા જ્વેલરી એન્ડ ફેશન વીક) જેવો ફેશન વીક પણ યોજાય છે.
આ ઉપરાંત તેઓ મિસ ગુજરાત, ચિત્રલેખા આયોજિત મિસિસ ગુજરાત, તથા મિસ્ટર એન્ડ મિસ યુનિવર્સિટી જેવી બ્યુટી પેજેન્ટ્સમાં મોડેલ્સને ગ્રૂમિંગ આપે છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરતા ફેશન શો પણ રજૂ કર્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ્સ માટે તેમણે ૪ થીમ આધારિત ફેશન શો (પોરબંદર ખાતે ખાડી કન્વેન્શન, કાઇટ ફેસ્ટિવલ / મેઘન ટુરિઝમ, અમદાવાદ), ૧૫૦થી વધુ કોર્પોરેટ ઇવેન્ટ્સ, લાઇવ ઇન કોન્સર્ટ્સ, ટ્રેડ ફેર એક્ઝિબિશન, કોર્પોરેટ બ્રાન્ડ પ્રમોશન, પ્રમોશનલ પ્રવૃત્તિઓ, બોલિવૂડ સેલિબ્રિટી ઇવેન્ટ્સ / અવોર્ડ નાઇટ્સ તેમજ જાહેરાતો અને ડોક્યુમેન્ટ્રી માટે પણ સફળ કામગીરી કરી છે.
ગુજરાતી મોડેલિંગ ઇન્ડસ્ટ્રીનો અનુભવ અને વાસ્તવિકતા
પોતાના અનુભવ અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે તેઓ ૧૯૯૭થી મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને અત્યાર સુધીમાં ત્રણ પેઢીના મોડેલ્સને ગ્રૂમ કરીને મુંબઈ સુધી પહોંચાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમની પાસે તૈયાર થયેલા અનેક વિદ્યાર્થીઓ આજે રાષ્ટ્રીય સ્તરે કામ કરી રહ્યા છે.
ગુજરાતી મોડેલ્સની ક્ષમતા વિશે તેઓ કહે છે કે ગુજરાતના યુવક-યુવતીઓમાં મોડેલિંગની પ્રતિભા ભરપૂર છે, પરંતુ અહીં પાયાની જરૂરિયાત સમાન પ્રોફેશનલ એપ્રોચ થોડો ઓછો જોવા મળે છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અપેક્ષા મુજબનું કામ ન મળતાં એક તબક્કા બાદ મોડેલ્સે મુંબઈ તરફ વળવું પડે છે, કારણ કે અહીં મોટા પ્રોજેક્ટ્સ અને રેમ્પવોક શો મર્યાદિત પ્રમાણમાં થાય છે. મુંબઈની સરખામણીએ કામના અવસર ઓછા હોવાથી ગુજરાતમાં આ ક્ષેત્ર હજુ વિકાસના તબક્કામાં છે. અમદાવાદના મોડેલ્સ બહાર જાય ત્યારે તેમની પ્રતિભા સ્પષ્ટ દેખાય છે, એટલે કે અહીં હજુ ઘણા બદલાવ અને માળખાકીય વિકાસની જરૂર છે.
ફેશન ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય અને પડકારો
ફેશન ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય વિશે આશાવાદ વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે આવનારા સમયમાં આ ક્ષેત્રમાં વિપુલ તકો ઊભી થઈ રહી છે. હવે દરેક ક્ષેત્ર વધુ પ્રોફેશનલ બની રહ્યું છે અને નાની કંપનીઓ પણ જાહેરાતો તથા મોડેલિંગ તરફ વળી રહી છે. વેબ સિરીઝના વધતા પ્રભાવને કારણે મોડેલિંગ બાદ અભિનયની નવી તકો મળી રહી છે, તો બીજી તરફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ સતત વિકસી રહી છે.
જોકે, ગુજરાતી કલાકારોમાં જરૂરી પ્રોફેશનલ એપ્રોચ, સમયનું સંચાલન (ટાઇમ મેનેજમેન્ટ) અને કામ પ્રત્યેના સમર્પણમાં ક્યાંક ને ક્યાંક કમી જણાય છે. કદાચ કામની મર્યાદાને કારણે પણ આવું થતું હશે, જોકે હવે કામમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. સૌથી મોટો પડકાર અહીં યોગ્ય પ્રોફેશનલ ગ્રૂમિંગનો અભાવ છે, કારણ કે ગુજરાતમાં આવી નિષ્ણાત એજન્સીઓ, કોલેજો અને સંસ્થાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી.
માન્યતાઓ અને વાસ્તવિકતા
મોડેલિંગ ઇન્ડસ્ટ્રી અંગે સમાજમાં પ્રવર્તતી સારા-ખરાબની માન્યતાઓ પર પ્રકાશ પાડતાં તેઓ કહે છે કે આ ક્ષેત્ર લોકો માને છે એટલું ખરાબ નથી. ગ્લેમર જગત હોવાથી લોકો બહારથી જોઈને તરત અંજાઈ જાય છે, પરંતુ તેમાં કોઈ સહજ ખરાબી નથી. એર-હોસ્ટેસ કે કોર્પોરેટ જગતની જેમ જ આ પણ એક સામાન્ય વ્યવસાયિક ક્ષેત્ર છે. અહીં દરેક વ્યક્તિનું જીવન જાહેરમાં આવે છે અને લોકો બધું જોઈ શકે છે, જેના કારણે ખોટી છાપ ઊભી થાય છે અને વાલીઓ સંતાનોને મોકલતા ખચકાય છે. હકીકતમાં આ ક્ષેત્ર પણ અન્ય વ્યવસાયો જેટલું જ સન્માનજનક છે. મોડેલિંગ, ફિલ્મ, સિરિયલ કે જાહેરાત અભિયાન—દરેક જગ્યાએ કામ તમારી સંમતિ (કન્સેન્ટ) અને ઈચ્છાથી જ થાય છે; જ્યાં સુધી તમે તૈયાર ન હો, ત્યાં સુધી કોઈ બળજબરી કરતું નથી.
એકંદરે, કેયુર દેસાઈ માને છે કે ગુજરાતી ફેશન ઇન્ડસ્ટ્રી હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે અને પ્રિન્ટ શૂટ્સ દ્વારા પણ ઘણા મોડેલ્સને કામ મળી રહ્યું છે. આ જ હકારાત્મક વાતાવરણ વચ્ચે તેઓ ભવિષ્યમાં અમદાવાદના ઘરઆંગણે પોતાની મોડેલિંગ કોલેજ શરૂ કરવાનું સપનું સેવી રહ્યા છે, જેથી સ્થાનિક પ્રતિભાઓને ઘરઆંગણે જ યોગ્ય તાલીમ અને મંચ મળી શકે.