Search the Footage

પ્રાદેશિકતાના નામે ક્યાં સુધી ‘લાગણીઓ’ વેચીશું? બદલાતા સમયમાં ગુજરાતી સિનેમા સામેના અસલી પડકારો

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ આજે એક અદભુત વળાંક પર ઊભો છે. છેલ્લા થોડા સમયથી ગુજરાતી સિનેમામાં ક્વોલિટી અને વિષયોની બાબતમાં ઘણો સકારાત્મક બદલાવ આવ્યો છે. બે-પાંચ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને ગુજરાતી દર્શકોને થિયેટર સુધી પાછા ખેંચી લાવવાનું ભગીરથ કામ કર્યું છે. હવે પહેલાં જેવી ટેકનિકલ નબળાઈઓ કે આઉટડેટેડ વાર્તાઓ રહી નથી, જે ખૂબ જ આનંદની વાત છે.

પરંતુ, આ પ્રગતિ વચ્ચે પણ જે મૂળભૂત સવાલો અને ઇન્ડસ્ટ્રીની આંતરિક સમસ્યાઓ છે, તેના પર આંખ આડા કાન કરી શકાય તેમ નથી. સૌથી પહેલો સવાલ એ છે કે, કેટલા ગુજરાતીઓ માત્ર ‘ગુજરાતી હોવાના નાતે’ થિયેટર સુધી ફિલ્મ જોવા જશે?

થોડુ પ્રેક્ટિકલ વિચારીએ, વિકેન્ડ પર જ્યારે તમે પરિવાર સાથે બહાર જમવા જાઓ છો, ત્યારે શું ક્યારેય એવું ચેક કરો છો કે રેસ્ટોરન્ટનો માલિક ગુજરાતી છે કે નહીં? નથી કરતા! કારણ કે ત્યાં હોટેલનું બોર્ડ નહીં, પણ પીરસાતા ભોજનનો સ્વાદ અને તેની ક્વોલિટી મહત્વનો ભાગ ભજવે છે. સિનેમાનું પણ એવું જ છે.

સિનેમા એ મનુષ્યના જીવનમાં માત્ર અને માત્ર મનોરંજનનો એક ભાગ છે. તેમાં તર્ક, જ્ઞાન કે બોધપાઠ સાથે દર્શકને કોઈ ખાસ લેવાદેવા હોતા નથી. દુનિયામાં એવી બહુ ઓછી ફિલ્મો હશે જેણે માણસનું જીવન બદલી નાખ્યું હોય. માણસ પોતાની રોજિંદી ચિંતાઓમાંથી બે ઘડી મુક્ત થઈને હસવા કે મનોરંજન મેળવવા થિયેટર જાય છે, કંઈ શીખવા માટે નહીં. જો આ વાસ્તવિકતા હોય, તો સામે પક્ષે ફિલ્મમેકર્સની પણ એ પ્રાથમિક જવાબદારી બની જાય છે કે તેમની ફિલ્મ દર્શકને ખરેખર ૧૦૦% એન્ટરટેઇન કરી શકે છે કે કેમ?

સુધરતી પરિસ્થિતિ વચ્ચે પણ ક્યાં અટકે છે આપણું સિનેમા?

કોઈપણ ક્ષેત્રની નિષ્ફળતા માટે તેની સાથે સંકળાયેલા લોકો, તેમની માનસિકતા અને કામ કરવાની પદ્ધતિ જવાબદાર હોય છે. ભલે આજે સારી ફિલ્મો બની રહી છે, પણ હજુય આપણી ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે પ્રોફેશનલ બની શકી નથી. ઇન્ડસ્ટ્રીમાં આજે પણ ચાલતું ગૃપિઝમ લેભાગુવૃત્તિ, આંતરિક સ્વાર્થ, અન પ્રોફેશનલ બિહેવિયર અને હેલ્ધી કોમ્પિટિશનનો અભાવ અને ખાસ કરીને એક સારી ફિલ્મ માટે યોગ્ય લાંબાગાળાના પ્રમોશનનો અભાવ… આ એવા મુદ્દા છે જે આજે પણ નડે છે.

કોઈ પૂછી શકે કે, આવું કયા ફિલ્ડમાં નથી હોતું? બધા જ ક્ષેત્રોમાં થોડાઘણા અંશે આ બધું હોય જ છે. પરંતુ પ્રશ્ન એ છે કે, આટલો સારો માહોલ હોવા છતાં આપણું સિનેમા હજુ ‘સર્વાઇવલ’ એટલે કે ટકી રહેવાના સંઘર્ષમાંથી કાયમી ધોરણે બહાર કેમ નથી આવી શકતું? ગુજરાતી દર્શકો આજે પણ મોટી ફિલ્મો સિવાયની બાકીની ગુજરાતી ફિલ્મો માટે આટલો નકારાત્મક કે ઉદાસીન દૃષ્ટિકોણ કેમ ધરાવે છે?

જે ફિલ્મો તાજેતરમાં સુપરહિટ થઈ, તેની પાછળ માત્ર નસીબ નહોતું. તેમાં ફિલ્મનો વિષય, તેનું માર્કેટિંગ અને તેની ક્વોલિટીનું પ્રોફેશનલ કોમ્બિનેશન હતું.

રડવાનું બંધ કરો, આખી પ્રોસેસને પ્રોફેશનલ બનાવો

એક ફિલ્મ બનાવવામાં કેટલાય લોકોની રાત-દિવસની મહેનત અને કરોડો રૂપિયાનું આંધણ થાય છે. આ બધી પ્રક્રિયાના અંતે જે પ્રોડક્ટ બને, તેનો એક જ સ્પષ્ટ ઉદ્દેશ્ય હોવો જોઈએ – દર્શકોનું શુદ્ધ મનોરંજન. જો ફિલ્મ એ મનોરંજન પૂરું પાડવામાં નિષ્ફળ રહી, તો તે નિષ્ફળ છે. આ નિયમ જેટલો હિન્દી કે સાઉથની ફિલ્મોને લાગુ પડે છે, એટલો જ ગુજરાતી સિનેમાને પણ લાગુ પડે છે.

મીડિયાના મારા ૧૪ વર્ષના અનુભવના આધારે હું આજે પણ સિનેમાના લોકો સામે સીધા સવાલો મૂકવા માંગું છું:

  • શું ગુજરાતી સિનેમા પોતાની નબળાઇઓ ને સ્વિકારીને પ્રોફેશનલ અપ્રોચ સાથે કામ કરી શકે છે ?
  • ક્યાં સુધી ‘ગુજરાતી દર્શકો સિનેમા હોલ સુધી નથી આવતા’ એવો અફસોસ પ્રગટ કરતા રહીશું?
  • અને ક્યાં સુધી માત્ર સરકારી ‘સબસિડી’ મેળવવાના ગણિત સાથે જ ફિલ્મો બનતી રહેશે?

બાંધછોડ વગરનું મેકિંગ એ જ એકમાત્ર રસ્તો

જો ખરેખર આ બદલાતા સમયને વધુ સફળતામા ફેરવવો હોય, તો ફિલ્મમેકિંગની આખી પ્રોસેસને કડક રીતે કોર્પોરેટ અને પ્રોફેશનલ લેવલ પર ફોલો કરવી પડશે. ફિલ્મના હરેક પાસાં… જેમ કે સ્ટોરી, કલાકારોની યોગ્ય પસંદગી, ડાયલોગ્સ, ડાયરેક્શન, પ્રોડક્શન વેલ્યુ, કાસ્ટિંગ, મ્યુઝિક, બેકગ્રાઉન્ડ સ્કોર, લોકેશન્સ, એક્ટિંગ, એડિટિંગ, વીએફએક્સ, પ્રમોશન, ડિસ્ટ્રિબ્યુશન અને માર્કેટિંગ – આ તમામ સ્તરે કોઈપણ પ્રકારની બાંધછોડ વગર કામ કરવું પડશે.

જે દિવસે ઇન્ડસ્ટ્રીનો દરેક વ્યક્તિ આ પ્રોફેશનલિઝમ સાથે કામ કરતો થઈ જશે, તે દિવસે આમાંથી એકપણ પ્રશ્ન ઊભો નહીં થાય. ત્યાર પછી ડિસ્ટ્રિબ્યુટર સામે ચાલીને તમારી પાસે દોડતો આવશે, કોઈ મલ્ટિપ્લેક્સની મજાલ નહીં હોય કે તમારી હિટ ફિલ્મને થિયેટરમાંથી ઉતારી દે અને દર્શકો પણ એડવાન્સ બુકિંગ કરાવીને થિયેટર તરફ લાઈનો લગાવશે.

મારો ઉદ્દેશ્ય ગુજરાતી સિનેમાને નેગેટિવ ચિતરવાનો ક્યારેય નથી. પણ જો આ ઇન્ડસ્ટ્રી ખરેખર એક સ્વાયત્ત અને મજબૂત ઉદ્યોગ બનશે, તો ગુજરાતમાં રોજગારની એક નવી જ ક્રાંતિ આવશે. આપણું નવું અને સાચું ટેલેન્ટ જ્યારે કોઈના ઓશિયાળા બન્યા વગર આ ઇન્ડસ્ટ્રીમાં આવશે, ત્યારે તેના સપના પૂરા થશે અને ઇન્ડસ્ટ્રી વધુ વેગવાન બનશે.

આશા રાખીએ કે આપણું આ બદલાતું સિનેમા આવનાર સમયમાં પ્રાદેશિકતાના મોહમાંથી બહાર આવીને વૈશ્વિક સ્તરે અનેક શિખરો સર કરે.

આ બાબતે આપનો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં અચૂક જણાવશો.

Share

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *