Search the Footage

જ્યાં સુધી ગુજરાતની માટીની સુગંધ નહીં પીરસો, ત્યાં સુધી મલ્ટિપ્લેક્સ હાઉસફુલ નહીં થાય!

વર્ષ ૨૦૨૬ ચાલી રહ્યું છે અને આપણું ગુજરાતી સિનેમા આજે એક જબરદસ્ત વળાંક પર ઊભું છે. ટેકનિકલ બાબતોમાં આપણે ઘણું આગળ નીકળી ગયા છીએ, કેમેરા સારા થઈ ગયા છે, લોકેશન બદલાયાં છે અને કલર ગ્રેડિંગ પણ જોરદાર થવા લાગ્યું છે. બે-પાંચ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને દર્શકોને થિયેટર સુધી પાછા ખેંચી લાવવાનું ભગીરથ કામ પણ કર્યું છે, જે ખૂબ જ આનંદની વાત છે. પરંતુ એક એડિટર તરીકે જ્યારે હું મલ્ટિપ્લેક્ષની ખાલી ખુરશીઓ જોઉં છું, ત્યારે મને એક જ વાત મગજમાં ખટકે છે કે આપણી ફિલ્મોમાં હજુય ‘ગુજરાતીપણા’નો જબરો અભાવ વર્તાય છે. મેકર્સ હજુ પણ મુંબઈ કે સાઉથની સ્ટાઈલ કોપી કરવામાં પડ્યા છે. સાહેબ, એક સીધી વાત સમજી લો, જ્યાં સુધી તમે આપણી માટીની અસલી સુગંધ વાર્તાઓમાં નહીં પીરસો, ત્યાં સુધી મલ્ટિપ્લેક્સ હાઉસફુલ નહીં થાય!

અલબત્ત, સિક્કાની બે બાજુ હોય છે અને હું માત્ર નેગેટિવ વાતો કરીને હાથ ખંખેરી લેવા વાળો માણસ નથી. હું એમ પણ નથી કહેતો કે બધી જ ફિલ્મો નબળી બને છે. ઓડિયન્સ તો થિયેટર સુધી આવવા તૈયાર જ બેઠું છે, પણ સવાલ એ છે કે આપણે એમને પીરસીએ છીએ શું? હમણાં એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે ચાર-પાંચ કેરેક્ટર ભેગા કરવા, થોડા ડબલ મિનિંગ જોક્સ નાખવા, કોઈ વિદેશનું લોકેશન પકડી લેવું અને બની ગઈ ફિલ્મ! પણ વાર્તાના નામે મીંડું. મલયાલમ કે કન્નડ સિનેમા તરફ નજર નાખો, એ લોકો કેમ આખા દેશમાં ગાજે છે? કારણ કે એમણે પોતાની માટીની, પોતાના કલ્ચરની અસલી વાર્તા પકડી રાખી છે, જ્યારે આપણે ત્યાં કન્ટેન્ટ અને સ્ક્રિપ્ટ લેવલે જબરું કોમ્પ્રોમાઇઝ થાય છે. જ્યાં સુધી વાર્તામાં ગુજરાતના ગામડાની, અહીંના માણસોના સંઘર્ષની, આપણી લોકવાર્તાઓ કે અસલી ઈતિહાસની સોડમ નહીં હોય, ત્યાં સુધી દર્શક કનેક્ટ અનુભવી શકશે નહીં. માત્ર સોશિયલ મીડિયાના રીલ્સના ચહેરાઓને લીડ રોલમાં ગોઠવી દેવાથી પબ્લિક ટિકિટ બારી પર લાઈન નથી લગાવતી, એ વાત હવે સમજવી જ પડશે.

આ સમસ્યાનો ઉકેલ પણ કંઈ આકાશમાંથી નથી આવવાનો, એ આપણી અંદર જ છુપાયેલો છે. જો ઇન્ડસ્ટ્રીને ખરેખર વેગવાન બનાવવી હોય, તો સૌથી પહેલાં અર્બન કોમેડીના ચોકઠામાંથી બહાર નીકળીને રિયલ, ઓરિજિનલ અને સસ્પેન્સ-થ્રિલર વિષયો પર રિસર્ચ કરવું પડશે. આપણી પાસે કવિ કાગ, ઝવેરચંદ મેઘાણી અને ગુજરાતના ખૂણે-ખૂણે અદભુત વાર્તાઓનો ખજાનો પડ્યો છે, તેને સ્ક્રીન પર લાવવાની હિંમત બતાવવી પડશે. આ સાથે જ, ફિલ્મ બનાવવા જેટલો જ ખર્ચ અને મહેનત એના પ્રમોશન અને ડિસ્ટ્રિબ્યુશન પાછળ પણ કરવી પડશે. જ્યાં સુધી પ્રોપર કોર્પોરેટ મેકિંગ પ્રોસેસ ફોલો નહીં થાય, ત્યાં સુધી મલ્ટિપ્લેક્સ વાળા શો કાપતા પહેલાં દસ વાર વિચારવાના નથી. ઇન્ડસ્ટ્રીમાંથી આ લોબી સિસ્ટમ, ગ્રૂપિઝમ અને ટાંટિયાખેંચ બંધ કરીને જ્યારે સાચા રાઈટર્સ, ડાયરેક્ટર્સ અને રિયલ એક્ટર્સને પ્લેટફોર્મ મળશે, ત્યારે જ એક હેલ્ધી કોમ્પિટિશન ઊભી થશે.

જ્યારે આ બધું એક ટીમ તરીકે અને કોઈ બાંધછોડ વગર થશે, ત્યારે જ ગુજરાતમાં એક સ્વાયત્ત અને મજબૂત ઉદ્યોગની શરૂઆત થશે. આ ઉદ્યોગ માત્ર અર્થતંત્રને મજબૂત નહીં કરે, પણ રાજ્યના હજારો યુવા ટેલેન્ટને રોજગારની સાથે પોતાના સપનાઓ પૂરા કરવાનું એક સશક્ત માધ્યમ પૂરું પાડશે. આશા રાખીએ કે આપણું આ બદલાતું સિનેમા આવનાર સમયમાં પ્રાદેશિકતાના મોહમાંથી બહાર આવીને વૈશ્વિક સ્તરે ડંકો વગાડે.

સાઈન ઓફ કરતા પહેલાં એટલું જ કહીશ કે બહારની હોટેલનું ચાઇનીઝ ગમે તેટલું મોંઘું હોય, પણ જે તૃપ્તિ માના હાથના બાજરાના રોટલા અને રીંગણના ઓળામાં મળે, એ સ્વાદ બીજે ક્યાંય ન મળે. પ્રજાને આપણો એ અસલી સ્વાદ ચખાડો, પછી જુઓ થિયેટરો કેમ હાઉસફુલ નથી થતા!

Share

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *